Sat Sep 12 2026

Logo

Social Media Content Policy: શું AI સિસ્ટમથી થઈ હતી ભૂલ? પીએમ મોદીની ફેસબુક પોસ્ટ ડિલીટ થવા પાછળનું સાચું કારણ જાણી લો...

2026-08-03 17:51:37
Author: Darshana Visaria
Social Media Content Policy: શું AI સિસ્ટમથી થઈ હતી ભૂલ? પીએમ મોદીની ફેસબુક પોસ્ટ ડિલીટ થવા પાછળનું સાચું કારણ જાણી લો...

તાજેતરમાં ટેકનોલોજી અને સોશિયલ મીડિયા જગતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિશ્વની અગ્રણી સોશિયલ મીડિયા કંપની મેટાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્રની એક ઓફિશિયલ ફેસબુક પોસ્ટ ભૂલથી હટાવી દીધી હતી. આ મોટી ટેકનિકલ ભૂલ બાદ મેટાએ પોતાની ભૂલ સ્વીકારીને સત્તાવાર રીતે માફી માંગી લીધી છે અને પોસ્ટ રિસ્ટોર કરી દીધી છે. પરંતુ આ ઘટનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની કન્ટેન્ટ મોડરેશન પોલિસી અને વીવીઆઈપી એકાઉન્ટ્સની સુરક્ષા પર ચર્ચા જગાવી છે. 

શું હતી સમગ્ર ઘટના?

પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન મોદીના અધિકૃત ફેસબુક પેજ પરથી એક પોસ્ટ અચાનક ગાયબ થઈ ગઈ હતી. જ્યારે આ બાબત ધ્યાને આવી, ત્યારે મેટાની ટેકનિકલ ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે ઓટોમેટેડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સિસ્ટમ અથવા કન્ટેન્ટ રિવ્યુ પ્રક્રિયા દરમિયાન 'હ્યુમન એરર' (માનવીય ભૂલ) ને કારણે આ પોસ્ટ ડિલીટ થઈ ગઈ હતી. મેટાએ સ્પષ્ટ કર્યું કે તેમનો આશય કોઈ નિયમભંગનો નહોતો અને આ ભૂલ બદલ તેમણે ખેદ વ્યક્ત કરીને વડાપ્રધાન કાર્યાલય પીએમઓ સમક્ષ માફી માંગી છે.

સોશિયલ મીડિયાની કન્ટેન્ટ પોલિસી શું કહે છે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, એક્સ પર દરરોજ કરોડો પોસ્ટ્સ શેર થતી હોય છે. તેને ફિલ્ટર કરવા માટે કંપનીઓ ચોક્કસ કમ્યુનિટી સ્ટાન્ડર્ડ્સ અને કન્ટેન્ટ પોલિસી અનુસરે છે. 

ઓટોમેટેડ AI મોનિટરિંગ: 

પ્લેટફોર્મ્સ પર હિંસા, નફરતભર્યા ભાષણો એટલે કે હેટ સ્પિચ, ખોટી માહિતી અર્થાત્ જ ફેક ન્યુઝ કે કોપીરાઈટનું ઉલ્લંઘન રોકવા માટે એઆઈ રોબોટ્સ કાર્યરત હોય છે. કેટલીકવાર આ અલ્ગોરિધમ સાચા કન્ટેન્ટને પણ ફ્લેગ કરી દે છે, જેને ટેકનિકલ ભાષામાં ફોલ્સ પોઝિટિવ કહેવામાં આવે છે.

VVIP અને નેતાઓની પોસ્ટ્સ માટે વિશેષ નિયમો: 

વિશ્વના દેશોના વડા પ્રધાનો, રાષ્ટ્રપતિ અને જાહેર પ્રતિનિધિઓની પોસ્ટ્સ લોકહિત અને સમાચાર યોગ્યતાની શ્રેણીમાં આવે છે. સામાન્ય સંજોગોમાં આવી પોસ્ટ્સ પર પોલિસીના નિયમો અલગ રીતે લાગુ થાય છે, જેથી જાહેર માહિતી નાગરિકો સુધી પહોંચવામાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે.

રાષ્ટ્રપતિ કે પીએમની પોસ્ટ હટાવવા પર શું થાય છે?

જો કોઈ દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિની પોસ્ટ ભૂલથી પણ હટી જાય, તો તેનાથી માત્ર ટેકનિકલ સમસ્યા જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય ચર્ચાઓ શરૂ થઈ જાય છે. મેટા જેવી મોટી કંપનીઓ માટે આવા કિસ્સાઓમાં તાત્કાલિક ધોરણે સ્પષ્ટતા કરવી અને પ્લેટફોર્મની વિશ્વસનીયતા જાળવી રાખવી અનિવાર્ય બની જતી હોય છે.