Sun Aug 30 2026

Logo

મિડલ ઈસ્ટના સંઘર્ષ વચ્ચે આવતીકાલે પીએમ મોદીની તમામ રાજ્યના સીએમ સાથે ઈમરજન્સી બેઠક

2026-03-26 17:47:00
Author: Mumbai Samachar Team
મિડલ ઈસ્ટના સંઘર્ષ વચ્ચે આવતીકાલે પીએમ મોદીની તમામ રાજ્યના સીએમ સાથે ઈમરજન્સી બેઠક

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં વણસી રહેલી પરિસ્થિતિ અને ઈઝરાયલ-ઈરાન વચ્ચેના સંઘર્ષની અસર હવે ભારતીય અર્થતંત્ર પર પણ જોવા મળી રહી છે. આ વૈશ્વિક સંકટને પહોંચી વળવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરચો સંભાળ્યો છે. આવતીકાલે સાંજના PM મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે હાઈ લેવલ બેઠક યોજશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ જેવી સ્થિતિમાં દેશની આંતરિક સુરક્ષા અને ઊર્જા પુરવઠાને જાળવી રાખવાનો છે.

આ બેઠકમાં મુખ્યત્વે પશ્ચિમ એશિયાના તણાવને કારણે ભારત પર પડનારી આર્થિક અસરોની સમીક્ષા કરવામાં આવશે. ખાસ કરીને લિક્વિડ નેચરલ ગેસ (LPG) અને ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન જળવાઈ રહે તેના માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના તાલમેલ પર ભાર મૂકવામાં આવશે. વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને દેશમાં ઊર્જા કટોકટી સર્જાય નહીં તેના માટે 'ટીમ ઈન્ડિયા'ની ભાવના સાથે સામૂહિક પ્રતિસાદ તૈયાર કરવામાં આવશે.

વર્તમાન પરિસ્થિતિને જોતા જે રાજ્યોમાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે, ત્યાં આદર્શ આચારસંહિતા લાગુ હોવાથી તે રાજ્યોના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. જોકે, કામગીરીમાં કોઈ અવરોધ ન આવે તે માટે કેબિનેટ સચિવાલય દ્વારા તે રાજ્યોના મુખ્ય સચિવો (Chief Secretaries) સાથે અલગથી બેઠક યોજીને વ્યૂહરચના ઘડવામાં આવશે. આ રીતે દેશના તમામ ખૂણાઓમાં તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવશે.

ભારત માટે અત્યારે સૌથી મોટી ચિંતા LPG ની અછત છે, જેના કારણે ઘરગથ્થુ ઈંધણના પુરવઠા પર અસર પડી રહી છે. ઈરાને મોટા ભાગના દેશો માટે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ કરી દીધી છે. જોકે, રાહતની વાત એ છે કે ભારતને હજુ આ પ્રતિબંધમાંથી મુક્તિ મળી છે. તેમ છતાં, ભવિષ્યમાં સ્થિતિ વધુ ગંભીર બને તો ઉર્જા સુરક્ષા કેવી રીતે જાળવવી તે અંગે આ બેઠકમાં ગહન મંથન કરવામાં આવશે.