Sat Sep 12 2026

Logo

પેટ્રોલ ભરાવવાની રીતમાં ફેરફાર થવાના એંધાણ, ઈથેનોલ પસંદ કરવાનો વિકલ્પ મળી રહેશે પણ ચિંતા યથાવત્

2026-05-28 16:05:48
Author: Mumbai Samachar Team
પેટ્રોલ ભરાવવાની રીતમાં ફેરફાર થવાના એંધાણ, ઈથેનોલ પસંદ કરવાનો વિકલ્પ મળી રહેશે પણ ચિંતા યથાવત્

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થયા બાદ હવે આવનારા દિવસોમાં ફ્યૂલ ભરાવવાની શૈલીમાં ફેરફાર જોવા મળી શકે છે. ગ્રાહકોને પોતાના વાહન અનુસાર જુદા-જુદા પ્રકારના ઈથેનોલથી મિશ્રિત પેટ્રોલ ભરાવવા માટે વિકલ્પ મળી રહેશે. સરકાર E20, E22, E25 અને E30 જેવા ઈથેનોલ બ્રાંડ માર્કેટમાં લાવવા માટે પ્રયાસ કરી રહી છે. આનો હેતુ ક્રૂડ ઓઈલની આયાત પર નિર્ભરતા ઘટાડવાનો અને સ્વચ્છ ફ્યૂલને વેગ આપવાનો છે. 

અલગથી વ્યવસ્થાઓ ઊભી કરાશે

નવી વ્યવસ્થા અંતર્ગત પેટ્રોલ પંપ પર દરેક ઈથેનોલ મિશ્રિત ફ્યૂલને ઓળખી શકાય એ માટે ખાસ વ્યવસ્થા હશે. બોર્ડ લગાવવામાં આવશે કે, જે તે પેટ્રોલમાં ઈથેનોલની માત્રા કેટલી છે? જેથી ગ્રાહક પોતાના વાહનના પ્રકાર અનુસાર યોગ્ય વિકલ્પને પસંદ કરી શકે. આ માટે અલગ સ્ટોરેજ ટેંક, બ્લેંડિંગ સિસ્ટમ અને ક્વોલિટી મોનિટરિંગ વ્યવસ્થા માટે પણ પગલાં લેવાઈ રહ્યા છે.

હાલમાં દેશના મોટાભાગના પેટ્રોલપંપ પરથી E20 ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ થાય છે. ઈથેનોલ ઉદ્યોગ ઘણા લાંબા સમયથી 20 ટકા વધારે બ્લેંડિંગની માગ કરી રહ્યો છે. માર્કેટ નિષ્ણાંતોનું એવું કહેવું છે કે, ભારતમાં ઈથેનોલનું ઉત્પાદન હવે જરૂરિયાતથી વધારે થઈ રહ્યું છે. 

ગ્રાહકોને મળશે વિકલ્પ

આ માટે નવા વિકલ્પો લાવવા માટે જરૂરી છે. ભારત દુનિયાનો ત્રીજા ક્રમનો સૌથી વધુ ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરતો દેશ છે. કુલ જરૂરિયાત કરતા ભારતમાં વધારે ઓઈલની આયાત થાય છે. મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત સ્થિતિને ધ્યાને લઈને ક્રૂડ ઓઈલની કિંમતમાં આસમાની વધારો થયો હતો. આ કારણે સરકાર ઈથેનોલને એક મોટા વિકલ્પ તરીકે ધ્યાને લે છે.

વર્ષ 20214માં નવેમ્બર મહિનામાં ઈથેનોલ બ્લેંડિંગથી દેશને આશરે 1.7 લાખ કરોડ રૂપિયાની બચત થઈ હતી, આનો બીજો ફાયદો એ છે કે, કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થયો હતો. ઈથેનોલ વાળા પેટ્રોલને લઈને વાહન પર્ફોમન્સને લઈ ચિંતા ઊભી થઈ છે. હાલમાં જે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મળી રહ્યું છે એનાથી પિકઅપ વધારે સારૂ આવે છે પણ માઈલેજમાં કોઈ ફેર પડતો નથી. નિષ્ણાંતો એવું કહે છે કે, આવનારા સમયમાં બ્રાઝિલની માફક ગ્રાહક પોતાની જરૂરિયાત અનુસાર અલગથી ઈથેનોલની પસંદગી કરી શકશે