ચંદીગઢઃ વિમાન પ્રવાસમાં ક્યારેક એવો હોબાળો મચી જાય છે કે, બીજાના જીવ જોખમમાં મૂકાઈ જાય છે. ક્યારેક પ્રવાસી માથાકુટ કરે તો ક્યારેક પોતાની ડ્યૂટી અવર્સ પૂરા થતા પાયલટ ટેકઓફ કરવાની ના પાડી દે. પણ ચંદીગઢથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં એક પ્રવાસીએ એવું કરી નાંખ્યું જેના કારણે અન્ય પ્રવાસીઓના જીવ ચાલું ફ્લાઈટે તાળવે ચોંટી ગયા. ક્રૂ મેમ્બર્સે પછી પ્રવાસીને સમજાવ્યો અને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવી.
પોલીસના હવાલે કરી દેવાયો
દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયા બાદ પ્રવાસીને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો, જોકે દિલ્હી એરપોર્ટ પરથી પ્રવાસીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. યાત્રીના સ્વજનોએ કહ્યું હતું કે, તે માનસિક રીતે બીમાર છે. તપાસ કરવામાં આવી ત્યારે આ વાત સાચી પુરવાર થઈ હતી. આ પછી આ પ્રવાસીને આગામી એક મહિના સુધી નો ફ્લાઈ ઝોનની યાદીમાં મૂકી દેવામાં આવ્યો છે. એવિએશન મંત્રાલયને આ અંગેનો વિસ્તૃત રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. હવે મંત્રાલય એ પ્રતિબંધ છ મહિના સુધી વધારી પણ શકે છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ફ્લાઈટમાં એક પ્રવાસીએ પેનિક ઊભું કર્યું હતું, તેણે ચાલું ફ્લાઈટ દરમિયાન બારીનો કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો. ફ્લાઈડ જ્યારે લેન્ડ થઈ રહી હતી એ સમયે આ પ્રવાસીએ ગુસ્સામાં આવીને બારીના કાચ પર મુક્કા મારવાના શરૂ કરી દીધા હતા.
પાયલટે એરપોર્ટ સિક્યોરિટીને જાણ કરી
જ્યારે વિમાન લેન્ડ થઈ રહ્યું હતું એ સમયે તે પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો હતો, જ્યારે બાકીના પ્રવાસીઓ સીટબેલ્ટ બાંધીને બેઠા હતા. ક્રૂ મેમ્બર્સ એને રોકવા માટે આવ્યા હતા. છતાં તે બારી પર મુક્કા મારતો રહ્યો હતો. ક્રૂ મેમ્બર્સે એને ફરી સીટ પર બેસાડવાનો પ્રયાસ કર્યો હતો.પછી આ વાતની જાણ પાયલટને કરવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે પાયલટે એરપોર્ટ સિક્યોરિટીને જાણ કરી દીધી હતી. એ સમયે પ્રવાસી ખુરશી પકડીને બેસી ગયો હતો. વિમાન લેન્ડ થતાંની સાથે જ CISFએ એમને પકડી લીધો હતો.પછી યુદ્ધના ધોરણે એમને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો હતો. એરપોર્ટ પરથી તેણે ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. યુવકના સ્વજનોએ કહ્યું હતું કે, તે માનસિક રીતે બીમાર છે.
આ એક ક્રિમિનલ ઓફેન્સ
એવિએશન એક્સપર્ટ અશ્વીની ખન્નાએ જણાવ્યું હતું કે, જ્યારે આવું થાય ત્યારે અન્ય પ્રવાસીઓના જીવ પણ મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. વિમાનની બારીમાં બે બારી હોય છે. બન્ને એકબીજા સાથે ક્નેક્ટ હોય છે. અંદરની બારી પ્લાસ્ટિકની હોય છે. જે ખૂબ જ મજબૂત હોય છે. બાહર કાચ લાગેલો હોય છે. આનો તોડવો ખૂબ જ મુશ્કેલ હોય છે. ફ્લાઈટ જ્યારે હવામાં હોય અને આ પ્રકારની કોઈ હરકત કરે તો આને ક્રિમિનલ ઓફેન્સ માનવામાં આવે છે. પછી એના નામની ટિકિટ દેશના કોઈપણ એરપોર્ટ પરથી બુક થતી નથી, તેને નો ફ્લાઈંગ ઝોનમાં મૂકી દેવામાં આવે છે. આ કારણે તે ફરીવાર ફ્લાઈટમાં ઉડાન ભરી શકતો નથી.