નવી દિલ્હીઃ એક સંસદીય પેનલે મંગળવારે કર્મચારી પેન્શન યોજના, 1995 હેઠળ લઘુત્તમ માસિક પેન્શન 1000 રૂપિયાની તાત્કાલિક અને વ્યાપક સમીક્ષા કરવાની ભલામણ કરી હતી, જેથી તેને વધુ વાસ્તવિક અને ગૌરવપૂર્ણ સ્તર સુધી વધારી શકાય. આ ભલામણ પેન્શનરોનીએ માંગને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ છે કે પેન્શન વધારીને 7500 રૂપિયા પ્રતિ મહિનો કરવામાં આવે કારણ કે 1000 રૂપિયાની રકમ ગુજરાન ચલાવવા માટે પૂરતા નથી.
રિટાયરમેન્ટ ફંડ સંસ્થા ઈપીએફઓ દ્વારા સંચાલિત કર્મચારી પેન્શન યોજના 1995 (ઈપીએસ-95) હેઠળ આવનારા પેન્શનરોએ 9 માર્ચથી જંતર-મંતર પર ત્રણ દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં લઘુત્તમ માસિક પેન્શન વધારીને 7500 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી હતી.
શ્રમ, કાપડ અને કૌશલ્ય વિકાસ અંગેની સંસદીય સ્થાયી સમિતિએ શ્રમ અને રોજગાર મંત્રાલયના 'ગ્રાન્ટ્સ માટેની માંગણીઓ (2026-27)' પરના તેના 15મા રિપોર્ટમાં એ ઉલ્લેખ કર્યો હતો કે કર્મચારી પેન્શન યોજના, 1995 હેઠળ દર મહિને લઘુત્તમ 1000 રૂપિયાનું લઘુતમ પેન્શન જીવનનિર્વાહના વધતા ખર્ચ છતાં ઘણા સમય સુધી યથાવત રહ્યું છે.
પુરાવા એકઠા કરવાની પ્રક્રિયા દરમિયાન સમિતિએ અવલોકન કર્યું કે પેન્શનરો તરફથી લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાની માંગ કરતી અસંખ્ય રજૂઆતો પ્રાપ્ત થઈ છે, ખાસ કરીને વૃદ્ધો અને આર્થિક રીતે નબળા લાભાર્થીઓને અનેક નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સમિતિએ શ્રમ અને રોજગાર મંત્રાલયની રજૂઆતની પણ નોંધ લીધી છે કે ભારત સરકાર પહેલાથી જ યોજના માટે નાણાકીય સહાય આપી રહી છે, જેમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના હાલમાં સેવા આપતા સભ્યો માટે 1.16 ટકાનું યોગદાન અને દર મહિને લઘુત્તમ 1000 રૂપિયાનું પેન્શન સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવતી બજેટની સહાયતાનો સમાવેશ થાય છે.
જોકે, સમિતિએ જણાવ્યું હતું કે એવું માનવામાં આવે છે કે હાલની લઘુત્તમ પેન્શન રકમ પેન્શનરોની મૂળભૂત જરૂરિયાતોને ખાસ કરીને ફુગાવા અને વધતા આરોગ્ય સંભાળ અને જીવન ખર્ચને કારણે વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં પણ પૂર્ણ કરવા માટે અપૂરતી છે. તેથી સમિતિ ભલામણ કરે છે કે મંત્રાલય કર્મચારી પેન્શન યોજના, 1995 હેઠળ લઘુત્તમ પેન્શનની તાત્કાલિક અને વ્યાપક સમીક્ષા કરે, જેથી તેને વધુ વાસ્તવિક અને ગૌરવપૂર્ણ સ્તરે લઈ શકાય.
સમિતિએ વધુમાં ભલામણ કરી કે મંત્રાલય યોજનાને બજેટ સહાય વધારવાની શક્યતા શોધે, જેથી પેન્શનરોને વર્તમાન જીવન ખર્ચને અનુરૂપ વાજબી લઘુત્તમ પેન્શન મળે, જેનાથી યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લાખો નિવૃત્ત કામદારોને વધુ સામાજિક સુરક્ષા અને નાણાકીય સ્થિરતા મળે.