Wed Sep 02 2026

Logo

પીઠોરા સંસ્કૃતિની ભવ્યતા રાષ્ટ્રપતિ ભવનમાં કંડારાઈઃ છોટાઉદેપુરના પરેશ રાઠવાનું રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન

2026-04-24 17:55:58
Author: Devayat Khatana
પીઠોરા સંસ્કૃતિની ભવ્યતા રાષ્ટ્રપતિ ભવનમાં કંડારાઈઃ છોટાઉદેપુરના પરેશ રાઠવાનું રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન

(અમારા પ્રતિનિધિ તરફથી)

નવી દિલ્હી:
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરના પ્રસિદ્ધ બાબા પીઠોરા લખારા પદ્મશ્રી પરેશ રાઠવાએ ફરી રાષ્ટ્રીય ફલક પર ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિનું નામ રોશન કર્યું હતું. દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ 'રેસિડન્સી કલા વર્કશોપ'માં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેઓને આજે સન્માનિત કરવામાં આવ્યા હતા. 

રાષ્ટ્રપતિ ભવન ખાતે ગત ૧૪થી ૨૩ એપ્રિલ દરમિયાન એક વિશેષ 'રેસિડન્સી કલા વર્કશોપ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં દેશના વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, ગોવા, લદાખ, આંધ્ર પ્રદેશ અને તેલંગણાના કુલ ૧૩ પ્રતિભાસંપન્ન કલાકારોની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ કલાકારોએ પોતાની આગવી કલા, પરંપરા અને સંસ્કૃતિને ચિત્રોના માધ્યમથી કંડારી હતી.

આ પ્રતિષ્ઠિત વર્કશોપમાં ગુજરાતમાંથી બે કલાકારોની પસંદગી થઈ હતી, જેમાં છોટાઉદેપુરના પીઠોરા લખારા પદ્મશ્રી પરેશ રાઠવાનો સમાવેશ થાય છે. તેઓએ આ ૧૦ દિવસીય વર્કશોપ દરમિયાન પીઠોરા આદિવાસી સંસ્કૃતિની ભવ્યતા દર્શાવતું સુંદર ચિત્ર તૈયાર કર્યું હતું, જેની રાષ્ટ્રપતિ ભવનમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. 

વર્કશોપના સમાપન બાદ સમારોહમાં રાષ્ટ્રપતિએ પરેશ રાઠવાને સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.