Sun May 03 2026

Logo

પાલઘરની ૫૭ સ્કૂલમાં નવમા અને દસમાના વર્ગ બંધ ભંડોળના અભાવે નાછૂટકે લેવાયો નિર્ણય

2026-05-03 19:12:09
Author: Sapna Desai
Article Image

પાલઘર: પાલઘર જિલ્લા પરિષદે ભંડોળની અછત અને શિક્ષકોના પગાર અંગે કાયદાકીય ગૂંચવણ નિર્માણ થતા જિલ્લાની ૫૭ શાળાઓમાં ધોરણ નવ અને ૧૦ના વર્ગ બંધ કરી દીધા છે. સત્તાવાર આદેશનો ઉલ્લેખ કરતા જિલ્લા પરિષદે જણાવ્યું હતું કે નવમા અને દસમા ધોરણમાં ભણાવવા માટે શિક્ષકોના પદ માટે રાજ્યની સત્તાવાર મંજૂરી ન હોવાથી ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે ભંડોળ ફાળવવાનો ઈન્કાર કર્યો છે.

અગાઉ જિલ્લા પરિષદ શિક્ષકોના પગાર માટે તેમના ‘સેસ ફંડ’નો ઉપયોગ કરી હતી. જોકે આ ભંડોળ ફક્ત વિકાસલક્ષી કાર્ય માટે છે. કૉન્ટ્રેક્ટ પર રહેલા અન્ય કર્મચારીઓ દ્વારા કાયદાકીય કાર્યવાહીના ડરે વહીવટી તંત્રએ આ વર્ગ સ્થગિત કરી દીધા હોવાનું કહેવાય છે.

શિક્ષણ વિભાગે નિર્દેશ આપ્યો છે કે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓએ ૧૦ જૂન સુધીમાં નજીકની ખાનગી માધ્યમિક શાળાઓ અથવા સરકારી આશ્રમમાં એડમિશન લઈ લેવા. જોકે નિષ્ણાતો અને સામાજિક કાર્યકર્તાઓ આશંકા વ્યક્ત કરી છે કે દૂરની શાળાઓમાં મુસાફરી કરીને આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લામાં ખાસ કરીને મહિલા વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ દરમાં મોટો વધારો થઈ શકે છે.

શ્રમજીવી સંગઠનના સ્થાપક અને સ્ટેટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ રીન્યુ કમિટીના અધ્યક્ષ વિવેક પંડિતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને તેમના હસ્તક્ષેપની માગણી કરી છે.  (પીટીઆઈ)