નવી દિલ્હી : સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે વિપક્ષ દ્વારા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ અવિશ્વાસ દરખાસ્ત પર કુલ 118 સાંસદોની સહી છે. જોકે, આ અંગે લોકસભા પીઠાસન સભાપતિના બોલાવ્યા બાદ 50 સભ્યોએ નોટિસના સમર્થનમાં ઉભા થવું પડશે. તેની બાદ પ્રસ્તાવ ગૃહમાં વિચાર માટે સ્વીકૃત માનવામાં આવશે. તેની બાદ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન થશે.
નોટિસની વિચારણા દરમિયાન લોકસભાના અધ્યક્ષ ગૃહમાં હાજર રહી શકે
આ ઉપરાંત બંધારણ મુજબ નોટિસની વિચારણા દરમિયાન લોકસભાના અધ્યક્ષ ગૃહમાં હાજર રહી શકે છે. તેઓ પ્રસ્તાવ પર પોતાના મંતવ્યો રજૂ કરી શકે છે અને મતદાન પણ કરી શકે છે. પરંતુ જ્યારે આ મુદ્દા પર ચર્ચા થઈ રહી હોય ત્યારે તેઓ કાર્યવાહીનું નેતૃત્વ કરી શકતા નથી. ઓમ બિરલા કદાચ શાસક પક્ષની આગળની હરોળમાં બેસી શકે છે. જોકે આ બાબતે નિયમો સ્પષ્ટ નથી.
સ્પીકરને દૂર કરવા માટે 272 મતની જરૂર
જોકે, લોકસભામાં વિપક્ષ દ્વારા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ રજૂ કરવાની તૈયારીઓ ભલે ચાલી રહી હોય પરંતુ વિપક્ષ પાસે પૂરતું સંખ્યાબળ નથી. તેમજ સ્પીકરને દૂર કરવા માટે 272 મતની જરૂર પડે છે. તેથી જો લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસન સમર્થન આપે તો પણ વિપક્ષ પાસે પૂરતી બહુમતીનો અભાવ છે. બજેટ સત્રના પ્રથમ તબક્કા દરમિયાન વિપક્ષે સ્પીકર વિરુદ્ધ નોટિસ દાખલ કરી હતી. જેના પર 118 સાંસદોએ સહી કરી હતી. ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ નોટિસ પર સહી કરી ન હતી. પરંતુ હવે પાર્ટીએ જણાવ્યું છે કે તે સ્પીકર વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપશે.