નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સામે વિશેષાધિકાર કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સંરક્ષણ પ્રધાને સંસદને ગેરમાર્ગે દોરતા કહ્યું હતું કે ગયા વર્ષે પહલગામ આતંકવાદી હુમલા પછી કોઈ ભારતીય સૈનિક શહીદ થયો નથી.
વેણુગોપાલે લોકસભાના નિયમ 223 હેઠળ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સંરક્ષણ પ્રધાને સંસદને ખોટી જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે 28 જૂલાઈ, 2025ના રોજ પહલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદના ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન રાજનાથ સિંહે કહ્યું હતું કે કોઈ ભારતીય સૈનિક શહીદ થયો નથી.
કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે બાદમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સશસ્ત્ર દળોના છ જવાનો શહીદ થયા હતા. તેમણે કહ્યું હતું કે, "જેનાથી સ્પષ્ટ થાય છે કે સંસદમાં સંરક્ષણ પ્રધાનનું નિવેદન ખોટું અને ગેરમાર્ગે દોરનારું હતું.
ગૃહમાં કોઈ મંત્રી દ્વારા ખોટી માહિતી પૂરી પાડવી અથવા માહિતી છુપાવવી એ વિશેષાધિકાર ભંગ અને સંસદનો તિરસ્કાર માનવામાં આવે છે. તેથી સંરક્ષણ પ્રધાન સામે વિશેષાધિકાર કાર્યવાહી શરૂ થવી જોઈએ.
વેણુગોપાલ સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેન પણ છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પણ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર પર લોકસભાની ચર્ચા દરમિયાન સંરક્ષણ પ્રધાને દેશના લોકો સમક્ષ ખોટું બોલ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો હતો કે જૂલાઈ 2025માં એવું કેવી રીતે કહેવામાં આવ્યું કે કોઈ ભારતીય સૈનિક શહીદ થયો નથી, જ્યારે એક વર્ષ પછી સેનાએ છ સૈનિકોની શહાદતની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "આ છ શહીદોના પરિવારો અને સમગ્ર સશસ્ત્ર દળોનું ઘોર અપમાન છે કે રાષ્ટ્રને તેમની બહાદુરી અને સર્વોચ્ચ બલિદાન વિશે સમયસર જાણ કરવામાં આવી ન હતી." તેમણે આરોપ લગાવ્યો કે સરકારે સૈનિકોની શહાદત વિશે સત્ય જણાવ્યું નથી.
નોંધનીય છે કે તાજેતરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન પોતાના જીવનું બલિદાન આપનારા છ સૈનિકોના નામ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની દિવાલ પર અંકિત કરવામાં આવ્યા હતા. આમાં ભારતીય સેનાના પાંચ અને ભારતીય વાયુસેનાના એક સૈનિકનો સમાવેશ થાય છે. મે 2025માં લશ્કરી કાર્યવાહી પછી સરકારે આ છ શહીદોના નામ પહેલી વાર જાહેર કર્યા છે.