Sat Sep 05 2026

Logo

‘ઓપરેશન મ્યૂલ હન્ટ’: વડોદરાથી દેશભરમાં ૨૧૦ કરોડનું સાયબર ફ્રોડ આચરતી ગેંગ ઝડપાઇ

2026-04-18 19:49:00
Author: Devayat Khatana
‘ઓપરેશન મ્યૂલ હન્ટ’: વડોદરાથી દેશભરમાં ૨૧૦ કરોડનું સાયબર ફ્રોડ આચરતી ગેંગ ઝડપાઇ

Gemini Generated Image


(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાત પોલીસના સાયબર સેલ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન મ્યૂલ હન્ટ' હેઠળ વડોદરામાં  સાયબર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ ગેંગ વડોદરાને કેન્દ્ર બનાવી આખા દેશમાં નિર્દોષ લોકો સાથે ઠગાઈ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે આ ટોળકીએ અત્યાર સુધીમાં દેશભરમાં કુલ ૨૭૩ જેટલા સાયબર ગુનાઓ આચરીને આશરે ૨૧૦ કરોડ રૂપિયાનું જંગી ફ્રોડ કર્યું છે. તેઓ સામાન્ય નાગરિકોના બેંક એકાઉન્ટ ભાડે રાખી તેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં છુપાવવા અને ટ્રાન્સફર કરવા માટે કરતા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે દરોડા પાડી ગેંગના નેટવર્કને તોડી પાડ્યું હતું.

આ મામલે પોલીસે ટેકનોલોજી અને બેંકિંગ પ્રક્રિયામાં માહેર એવા ૭ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા શખ્સો પાસેથી મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને બેંકના અનેક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગુજરાતના એસપી રાજદીપ સિંહ ઝાલાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, પોલીસ આ ગેંગના મૂળ સુધી પહોંચવા માટે સઘન પૂછપરછ કરી રહી છે અને આગામી દિવસોમાં મોટા માથાઓના નામ સામે આવે તેવી શક્યતા છે. તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે, જે લોકો પોતાના બેંક એકાઉન્ટ ગુનેગારોને વાપરવા આપે છે તેમની સામે પણ કડક હાથે કામ લેવામાં આવશે. હાલ પોલીસ આ રેકેટના આંતરરાષ્ટ્રીય તાર ક્યાં જોડાયેલા છે તે દિશામાં પણ ઊંડી તપાસ હાથ ધરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વધુ જુઓ...