Fri May 01 2026

Logo

નીરવ મોદીનો પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, CBIની ટીમે લંડનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કરી ગુપ્ત બેઠક

London   2026-04-15 09:28:05
Author: Mumbai Samachar Team
Article Image

લંડનઃ ભાગેડુ નીરવ મોદીના પ્રત્યાર્પણનો રસ્તો મોકળો થઈ ગયો છે. પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયાના ચૂનો લગાવીને દેશમાંથી નાસી છૂટેલા નીરવ મોદીને પરત લાવવા માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. CBIની એક ખાસ ટીમ લંડન પહોંચી છે. પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાનો કાંડ કર્યા બાદ નીરવ મોદી લંડન ભાગી ગયો હતો. હવે ભારત લાવવા માટેની તૈયારીઓ થઈ ગઈ છે. પ્રત્યાર્પણને લઈને કેટલીક કાયદાકીય વિધ્નો હતા એ દૂર થઈ ગયા છે. 

વિકલ્પો પૂરા થઈ ગયા
બ્રિટનમાં એમની પાસે જે કાયદામાંથી છટકવાના વિકલ્પો હતા એ ખતમ થઈ ગયા છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની એક સ્પેશ્યલ ટીમ લંડન પહોંચી ગઈ છે, એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, નીરવ મોદી ટૂંક સમયમાં ભારત પરત ફરશે અને એમની સામે કાયદાકીય પગલાં લેવાશે.સીબીઆઈની આ ટીમે લંડનમાં બ્રિટનના ઉચ્ચ અધિકારીઓ અને  ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ સાથે બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ નીરવ મોદીના પ્રત્યાર્પણ સાથે જોડાયેલી કેટલીક અંતિમ પ્રોસિજર અને સુરક્ષાના કેટલાક મુદ્દાઓ તપાસવાનો રહ્યો છે. 

લંડનથી ટીમ પરત આવશે
જરૂરી કાર્યવાહી લંડનમાં પૂરી કરીને આ ટીમ ભારત પરત આવશે. આ પછી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે ફાઈનલ ઑપરેશન તૈયાર કરવામાં આવશે અને પછી પ્રત્યાર્પણને અંજામ આપવામાં આવશે. બધુ યોગ્ય રહ્યું અને પ્રાત્યાર્પણ ઑપરેશન સફળ થયું તો કેન્દ્ર સરકારની આ મોટી સિદ્ધિ ગણાશે. લંડનથી પરત આવ્યા બાદ આ ટીમ આશરે બે અઠવાડિયામાં જ સ્ટ્રાસબર્ગ સ્થિત યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સમાં જશે. આ કોર્ટમાં નીરવ મોદી કેસની સંપૂર્ણ દલીલ રજૂ થશે. આ માટે જરૂરી ડૉક્યુમેન્ટની પ્રક્રિયા પણ ચાલું કરાઈ છે. 

પોતાને બચાવવા માટે હવાતિયા
પોતાને બચાવવા માટે નીરવ મોદીએ યુરોપિયન કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બીજી તરફ ભારતીય તપાસ એજન્સીને એવો ભરોસો છે કે, નીરવ મોદીની અરજી એ કોર્ટમાં લાંબા સમય સુધી ટકી શકે એમ નથી. સીબીઆઈ આ કેસમાં ધારદાર દલીલ રજૂ કરવાના મૂડમાં છે. નીરવને ભારત લઈ જવામાં કોઈ માનવ અધિકારનો ભંગ થતો નથી. પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી વર્ષ 2019થી લંડનની જેલમાં બંધ છે. 

ભારત સરકારની અપીલ પર ધરપકડ
ભારત સરકારની વિનંતી પર બ્રિટિશ એજન્સીઓએ તેની ધરપકડ કરી હતી.નીરવ મોદીએ અત્યાર સુધીમાં 11 વાર જામીન મેળવવા માટે અરજી કરી છે, પરંતુ દર વખતે કોર્ટે તેની અરજી ફગાવી દીધી છે.અદાલતનું માનવું છે કે જો નીરવ મોદીને જામીન આપવામાં આવે, તો તે દેશ છોડીને ભાગી શકે છે. તેને 'ફ્લાઇટ રિસ્ક' ગણીને કોર્ટ જામીન આપવાનો સતત ઇનકાર કરી રહી છે. નીરવ મોદીને યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ (ECHR) દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. કોર્ટે નીરવ મોદીની અરજી પર સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી તેને ગુપ્તતાનો દરજ્જો આપ્યો છે.

ગુપ્ત રીતે થશે સુનાવણી
ECHR એ સ્પષ્ટ કર્યું છે કે આ કેસની સુનાવણી સંપૂર્ણપણે ખાનગી રીતે કરવામાં આવશે અને તેને ગોપનીય રાખવામાં આવશે. કોર્ટના નિવેદન અનુસાર,જે કેસમાં અરજદારને અનામિતા આપવામાં આવે છે. તેની ફાઈલ કે કાર્યવાહી સંબંધિત કોઈ પણ જાણકારી સાર્વજનિક કરી શકાતી નથી. નીરવ મોદીએ ભારત પ્રત્યાર્પણ (Extradition) વિરુદ્ધ આ અરજી દાખલ કરી હતી, જેના પર હવે ગુપ્ત રીતે સુનાવણી ચાલશે.