નવી દિલ્હી: નીટ (NEET) બાયોલોજી પેપર લીક કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ વધુ એક મોટી સફળતા મેળવતા પુણેના બોટની શિક્ષક મનીષા ગુરૂનાથ મંધારેની ધરપકડ કરી હતી. આ ધરપકડ સાથે જ હાઈ-પ્રોફાઈલ પેપર લીક કૌભાંડમાં કુલ આરોપીઓની સંખ્યા વધીને 9 થઈ ગઈ છે. CBIની તપાસમાં બહાર આવ્યું છે કે આ આખું નેટવર્ક એકદમ આયોજનબદ્ધ અને પદ્ધતિસર રીતે ચલાવવામાં આવી રહ્યું હતું, જેમાં જુદા જુદા સ્તરે અનેક લોકો સંકળાયેલા હતા. એજન્સી હવે આ આખું રેકેટ કેવી રીતે કામ કરતું હતું અને તેના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે તે દિશામાં ઝીણવટભરી તપાસ કરી રહી છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નિયુક્ત થયા બાદ આરોપી શિક્ષક મનીષા ગુરૂનાથ મંધારેએ નીટ-યુજી પરીક્ષા પ્રક્રિયા માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન એવો ખુલાસો થયો છે કે, એપ્રિલ મહિનામાં મનીષા મંધારેએ પુણેની જ અન્ય એક ધરપકડ કરાયેલ આરોપી મનીષા વાઘમારેના માધ્યમથી નીટના અનેક વિદ્યાર્થીઓ સાથે સંપર્ક સાધ્યો હતો. આ સંપર્ક બાદ તેણે કથિત રીતે આ વિદ્યાર્થીઓને પોતાના ઘરે બોલાવીને વિશેષ કોચિંગ ક્લાસ આપવાનું શરૂ કરી દીધું હતું.
પૂછપરછ અને તપાસના આધારે સીબીઆઈએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, મનીષા મંધારેએ કોચિંગ દરમિયાન વિદ્યાર્થીઓને બોટની અને ઝૂઓલોજીના અનેક મહત્વના પ્રશ્નો અલગથી નોટ કરાવ્યા હતા. તેણે વિદ્યાર્થીઓને આ સવાલો પોતાની નોટબુકમાં લખવા અને પાઠ્યપુસ્તકોમાં ખાસ માર્ક કરવા માટે કહેવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, આરોપી શિક્ષકે આપેલા આ પ્રશ્નોમાંથી મોટાભાગના પ્રશ્નો 3 મેના રોજ લેવાયેલી નીટ-યુજી પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે એકદમ મેચ થતા હતા.
આ કેસમાં સીબીઆઈએ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 6 સ્થળો પર દરોડા પાડીને વાંધાજનક દસ્તાવેજો, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઈલ ફોન જેવા ઈલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા છે. અત્યાર સુધીમાં દિલ્હી, જયપુર, ગુરૂગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગર જેવા શહેરોમાંથી કુલ 9 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. તપાસમાં કેમિસ્ટ્રી અને બાયોલોજીના પેપર લીકના મુખ્ય સ્ત્રોત અને વચેટિયાઓની ઓળખ થઈ ગઈ છે, જેઓ લાખો રૂપિયા લઈને વિદ્યાર્થીઓને પેપરના પ્રશ્નો પહોંચાડતા હતા.