Wed Jun 10 2026

Logo

નીટ પેપર લીક કેસ: આરસીસી ક્લાસીસની જગ્યાને સીલ કરાઈ

2026-05-20 19:58:44
Author: Yogesh C. Patel
Article Image

પુણે: નીટ-યુજી પેપર લીક કેસમાં પુણે મહાપાલિકા દ્વારા રેણુકાઈ કરિયર સેન્ટર (આરસીસી)ની જગ્યાને બુધવારે સીલ કરવામાં આવી હતી. આરસીસીના માલિક અત્યારે સીબીઆઈની કસ્ટડીમાં છે અને ઓક્યુપન્સી સર્ટિફિકેટ વિના સેન્ટર ચલાવાતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

આ ક્લાસીસ પુણે શહેરના ડેક્કન જિમખાના વિસ્તારમાં જંગલી મહારાજ રોડ પરની બોરાવાકે બિલ્ડિંગમાં ચલાવવામાં આવતા હતા. આરસીસીના માલિક શિવરાજ રઘુનાથ મોટેગાંવકરની 17 મેના રોજ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) ધરપકડ કરી હતી. લાતુરમાં ક્લાસીસના સ્થળે સર્ચ હાથ ધરવામાં આવી હતી. ત્યાંથી જપ્ત કરાયેલા મોબાઈલ ફોનમાંથી ત્રીજી મેના યોજાયેલી પરીક્ષાના પ્રશ્ર્નપત્ર લીક કરાયા હતા, એવું તપાસમાં સામે આવ્યું હતું. આ કોચિંગ સેન્ટરની નવ બ્રાન્ચ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

અગાઉ મનસે દ્વારા પુણે મહાપાલિકાને ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં આક્ષેપ કરાયો હતો કે આરસીસી ક્લાસીસ જે સ્થળે ચલાવવામાં આવે છે એ મકાનને ઓક્યુપન્સી સર્ટિફિકેટ નથી. પુણે મહાપાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ બિલ્ડિંગને પાલિકા દ્વારા ઓક્યુપન્સી સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહોતું. ફાયર ડિપાર્ટમેન્ટે પણ તેને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપ્યું નહોતું. તેમ છતાં આ સંકુલનો ગેરકાયદે રીતે ક્લાસીસ ચલાવવા ઉપયોગ કરતો હતો.

પાલિકાના બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટે મિલકતના માલિકને નોટિસ મોકલાવીને ક્લાસીસ બંધ કરવાની સૂચના આપી હતી. જોકે પાલિકાની નોટિસની ઐસીતૈસી કરીને ક્લાસીસ ચલાવવામાં આવતા હતા. આખરે બુધવારે તેને સીલ કરવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

તપાસ અધિકારી અનુસાર મોટેગાંવકર ‘ઑર્ગેનાઈઝ્ડ ગૅન્ગનો સક્રિય સભ્ય’ છે. તેણે નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) અન્ડરગ્રેજ્યુએટ (યીજી) પેપર લીક અને વિતરણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. (એજન્સી)