પ્રશાંત કિશોર એનસીપી સાથે કામ કરશે એવા અહેવાલોને પાર્થ પવારે આપ્યો રદિયો: જોકે મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં તર્કવિતર્ક
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપી હવે નવી રાજકીય રણનીતિ માટે મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. હવે ‘ડિઝાઇન બોક્સ’ પછી, પાર્ટી આઈ-પેક નામની સંસ્થાની નિમણૂક કરશે. અજિત પવારને ગુલાબી રંગ સાથે લોકપ્રિય બનાવનારા નરેશ અરોરાને પડતા મૂકીને તમિળનાડુમાં વિજય થલપતિ માટે ચમત્કાર કરનારા પ્રશાંત કિશોરને હવે સુનેત્રા પવારના નેતૃત્વ હેઠળની એનસીપીને રાજ્યમાં આસમાન પર લઈ જવાની જવાબદારી સોંપવામાં આવી છે એવું કહેવાઈ રહ્યું છે.
આ માટે પ્રશાંત કિશોર સાથે પાર્થ પવાર અને સુનેત્રા પવારની સોમવારે સવારે લગભગ બે કલાકની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ બેઠક પછી જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી અને એવું જાણવા મળી રહ્યું છે કે આગામી બે દિવસમાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ, એવું કહેવામાં આવી રહ્યું છે કે આઈ-પેક એનસીપી માટે સત્તાવાર રીતે કામ કરવાનું શરૂ કરશે.
પાર્થ પવારે દાવાનું ખંડન કર્યું
રાજ્યસભાના સાંસદ અને એનસીપીના નેતા પાર્થ પવારે પ્રશાંત કિશોરના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે કામ કરવાના દાવાને નકારી કાઢતા કહ્યું કે તેમણે તેમને ઘરે રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું હતું. પાર્થ પવારે સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં એવી પણ સ્પષ્ટતા કરી હતી કે પ્રશાંત કિશોરને રાજકીય સલાહકાર ક્ષેત્રમાંથી નિવૃત્ત થયાને થોડા વર્ષો થઈ ગયા છે. અમે હંમેશા એકબીજા માટે અડગ રહ્યા છીએ અને ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં એકબીજા માટે તૈયાર રહીશું.
‘પ્રશાંત કિશોર અમારા મિત્ર છે અને મારા ભાઈ જેવા છે. દાદા (અજિત પવાર)ના સમયથી જ અમારા તેમની સાથે ગાઢ સંબંધો રહ્યા છે. તેઓ ગઈકાલે (સોમવારે) શહેરમાં આવ્યા હતા, તેથી મને તેમને અમારા ઘરે રાત્રિભોજન માટે આમંત્રણ આપવાનો અને તેમની સાથે ફળદાયી ચર્ચા કરવાનો આનંદ મળ્યો હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે કામ કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ બાબતે, હું સ્પષ્ટ કરવા માંગું છું કે મારી જાણકારી મુજબ તેમને રાજકીય સલાહકાર ક્ષેત્રમાંથી નિવૃત્તિ લીધાને થોડા વર્ષો થઈ ગયા છે. મને નથી લાગતું કે ભવિષ્યમાં પણ તેમાં કોઈ ફેરફાર થશે,’ એમ પાર્થે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું.
પ્રશાંત કિશોર હવે એનસીપી માટે રાજકીય સલાહકાર તરીકે કામ કરશે તેવા અહેવાલો બહાર આવ્યા પછી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ડિઝાઇન બોક્સ્ડ કંપનીના નિલેશ અરોરા અગાઉ અજિત પવારની પાર્ટી માટે કામ કરી ચૂક્યા છે. એવું કહેવાય છે કે વિધાનસભા ચૂંટણીમાં લોકપ્રિય થયેલા એનસીપીના ગુલાબી જેકેટનો ખ્યાલ અરોરાનો હતો. દરમિયાન, અરોરા પછી પ્રશાંત કિશોર હવે એનસીપી માટે સલાહકાર તરીકે કામ કરશે તેવા સમાચાર બહાર આવ્યા પછી, પાર્થ પવારે પોતે આ ચર્ચાઓ પર પડદો પાડી દીધો છે.
રાજકીય વર્તુળોમાં આ બાબતને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કારણ કે દેશના ઘણા રાજ્યોમાં સફળ ચૂંટણી વ્યૂહરચનાઓનું આયોજન કરવામાં આઈ-પેકની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. તેથી, એવું માનવામાં આવે છે કે હવે ગઈઙ આ કંપની દ્વારા મહારાષ્ટ્રમાં પણ પોતાની રાજકીય તાકાત વધારવાનો પ્રયાસ કરશે.