મુંબઈઃ પુણેના નસરાપુરમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ સંદર્ભમાં શનિવારે પુણેમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન અને કૂચ યોજાઈ હતી. મધ્યરાત્રિએ નવલે પુલ પર લોકોએ ભારે વિરોધ કર્યો હતો. પોલીસે બળપ્રયોગ કરીને લગભગ ચારથી પાંચ કલાક પછી પુલ ખાલી કરાવ્યો હતો. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે આ અંગે મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આકરી ટીકા કરી હતી.
સંજય રાઉતે સરકારની ટીકા કરતા કહ્યું કે કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગૃહપ્રધાન તરીકે જે ફરજો નિભાવવી જોઈએ તે નિભાવવામાં આવી રહી નથી. છોકરીઓ પર અત્યાચારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. મુખ્ય પ્રધાન 24 કલાક રાજકારણમાં ફસાયેલા રહે છે, એમ સંજય રાઉતે જણાવ્યું હતું.
તેમણે મિસિંગ લિંકના ઉદ્ઘાટન દરમિયાન, ટ્રાફિક જામનો પણ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યપ્રધાને નમ્રતાપૂર્વક તેના માટે માફી માંગી હતી, તેમ ગઈકાલના (નસારાપુર બળાત્કાર) કેસ માટે પણ માફી માંગવી જોઈએ, એવી માંગણી કરી હતી.
મહારાષ્ટ્રના લોકો અને તેમની બહેનોએ સરકાર સામે બળવો કરવો જોઈએ. આ સરકારને જવાબદાર ઠેરવવી જોઈએ. વિરોધ પક્ષે રસ્તા પર ઉતરવું જોઈએ. આ રાજ્ય હવે સામાન્ય માણસ માટે રહેવા યોગ્ય નથી. સરકાર નાણાં અને શક્તિના આધારે ચાલી રહી છે. ભયના અભાવે અત્યાચાર થઈ રહ્યા છે. આ માટે દેવેન્દ્ર ફડણવીસ જવાબદાર છે,એમ તેમણે ઉમેર્યું.