નાશિક: ટીસીએસના નાશિક યુનિટમાં મહિલાઓની જાતીય સતામણી અને ધર્મ પરિવર્તન માટે તેમના પર દબાણ કરવાના કેસની આરોપી નિદા ખાનને સ્થાનિક કોર્ટે સોમવારે વચગાળાની રાહત આપી નહોતી અને તેની અરજી પર 27 એપ્રિલ સુધીમાં જવાબ નોંધાવવાના પોલીસને નિર્દેશ આપ્યા હતા.
જાતીય સતામણી અને ધર્મ પરિવર્તન માટે દબાણના નવ કેસની તપાસ કરી રહેલી નાશિક પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) રાજ્યાના અલગ અલગ ભાગોમાં નિદા ખાનની શોધ ચલાવી રહી છે.નિદા ખાને ગર્ભાવસ્થાનો ઉલ્લેખ કરીને શનિવારે નાશિક કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. સોમવારે સુનાવણી દરમિયાન ખાનના વકીલ રાહુલ કાસલીવાલે વચગાળાની રાહત માટે આગ્રહ રાખ્યો હતો, એનાથી જ્યાં સુધી કોર્ટ દ્વારા તેની મુખ્ય અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી તેને ધરપકડથી રક્ષણ મળી શકે એમ હતું.
જોકે એડિશનલ સેશન્સ જજ કે.જી. જોશીએ વચગાળાની અરજી પર કોઇ નિર્ણય આપ્યો નહોતો અને પોલીસ તથા ફરિયાદીને ખાનની અરજી પર જવાબ દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા. કોર્ટે મામલાની સુનાવણી 27 એપ્રિલ પર મોકૂફ રાખી હતી. (પીટીઆઇ)