Thu Sep 10 2026

Logo

જે.જે. હોસ્પિટલમાં દર્દીઓના સગાંવહાલાંના મોબાઇલ ચોરનાર યુવક પોલીસના સકંજામાં

2026-06-17 17:59:00
Author: Yogesh D. Patel
જે.જે. હોસ્પિટલમાં દર્દીઓના સગાંવહાલાંના મોબાઇલ ચોરનાર યુવક પોલીસના સકંજામાં

મુંબઈ: દક્ષિણ મુંબઇમાં આવેલી જે. જે. હોસ્પિટલમાં દર્દીઓના સગાંવહાલાંના મોબાઇલ ચોરનારા 24 વર્ષના યુવકે પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરીના સાત મોબાઇલ હસ્તગત કરવામાં આવ્યા હતા.પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ સાગર શ્યામ પારખે તરીકે થઇ હોઇ તે માનખુર્દ સ્થિત મહારાષ્ટ્રનગરમાં આવેલી માયા ચાલનો રહેવાસી છે.

જે.જે. માર્ગ પોલીસ સ્ટેશનમાં દાખલ મોબાઇલ ચોરીના કેસની તપાસ કરનારી પોલીસે મંગળવારે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં શકમંદ નજરે પડ્યો હતો. પોલીસે આ ફૂટેજના આધારે તેની શોધ ચલાવી હતી.

દરમિયાન શકમંદ ફરી જે. જે. હોસ્પિટલના પરિસરમાં ચોરીના ઇરાદે આવવાનો હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે છટકું ગોઠવ્યું હતું અને તેને તાબામાં લીધો હતો. પૂછપરછમાં તેનું નામ સાગર પારખે હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી અને તેણે હોસ્પિટલમાંથી ચોરેલા સાત મોબાઇલ તેના ઘરેથી હસ્તગત કરવામાં આવ્યા હતા.