Tue May 26 2026

Logo

મની લોન્ડરિંગના કેસમાં નાશિકનો ‘ગૉડમૅન’ ખરાત અદાલતી કસ્ટડીમાં

2026-05-26 17:39:18
Author: Yogesh C Patel
Article Image

મુંબઈ: મહિલાઓના જાતીય શોષણના આરોપ બાદ ચર્ચામાં આવેલા નાશિકના ‘ગૉડમૅન’ અશોક ખરાતને મની લોન્ડરિંગના કેસમાં સ્પેશિયલ પીએમએલએ કોર્ટે મંગળવારે 14 દિવસની અદાલતી કસ્ટડી ફટકારી હતી.

ખરાત વિરુદ્ધ બળાત્કાર અને છેતરપિંડીના ગુના નોંધાયા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ઈડી) મની લોન્ડરિંગની તપાસ હાથ ધરી હતી. ઈડીએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ ગુનો નોંધી ગયા સપ્તાહે ખરાતની ધરપકડ કરી હતી.

ઈડીની કસ્ટડી પૂરી થતી હોવાથી ખરાતને મંગળવારે ફરી કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીએ કોર્ટમાં જણાવ્યું હતું કે અત્યારે ખરાતની કસ્ટડીની જરૂર નથી, પરંતુ ભવિષ્યમાં જરૂર જણાશે તો ફરી કસ્ટડી માટે અરજી કરીશું. પરિણામે કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો.
ઈડીએ આક્ષેપ કર્યો હતો કે તપાસમાં 47 કરોડ રૂપિયાની જે હેરફેર છે તેનો સૂત્રધાર અને લાભાર્થી અશોક ખરાત છે. 

અનેક મહિલાઓનું જાતીય શોષણ, ખંડણી, ધાર્મિક લાગણી દુભાવવાના આરોપસર નાશિક પોલીસે નોંધેલા એફઆઈઆરની નોંધ લઈ ઈડીએ છઠ્ઠી એપ્રિલે ખરાત વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ખરાત ખંડણીનું મોટું રૅકેટ ચલાવતો હતો અને બેનામી બૅન્ક ખાતાંના માધ્યમથી મની લોન્ડરિંગ કરતો હતો, એવું ઈડીનું કહેવું છે.

ખરાતે પોતાના ભક્તોની સંમતિ વિના તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરીને રહાટાની સમતા નગરી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં 60 બૅન્ક ખાતાં ખોલાવ્યાં હતાં. આમાંથી 43 ખાતાં મે, 2021માં એક દિવસમાં ખોલવામાં આવ્યાં હતાં. ખરાત પદ્ધતિસર ખંડણી વસૂલી કરતો અને આ ખાતાંઓ થકી મની લોન્ડરિંગ કરતો, એવું ઈડીએ જણાવ્યું હતું.

(પીટીઆઈ)