Mon Jun 08 2026

Logo

ગૂણીમાંથી મળેલા માથા વિનાના ધડનો કેસ ઉકેલાયો: ભાગીદાર સહિત બેની ધરપકડ

2026-03-31 20:52:02
Author: Yogesh C Patel
Article Image

આર્થિક વિવાદમાં ક્રૂરતા આચરી તાનસા નદીમાં ફેંકેલું માથું પોલીસે શોધી કાઢ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
નાલાસોપારા નજીક પેલ્હાર ગામમાંથી ગૂણીમાંથી મળી આવેલા માથા વિનાના ધડનો કેસ ઉકેલી પોલીસે મૃતકના વ્યાવસાયિક ભાગીદાર સહિત બેની ધરપકડ કરી હતી. આર્થિક વિવાદમાં ક્રૂરતા આચરીને તાનસા નદીમાં ફેંકેલું મૃતકનું માથું પણ પોલીસે શોધી કાઢ્યું હતું.

પેલ્હાર પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ દિનેશકુમાર કાનારામ પ્રજાપતિ (27) અને સંદીપ બ્રહ્મદેવ તિવારી (35) તરીકે થઈ હતી. આરોપી પ્રજાપતિ અને મૃતક અશોક સિંહ કરમ સિંહ રાજપૂત (32) કરિયાણાના વ્યવસાયમાં ભાગીદાર હતા.

રાજસ્થાનના એક જ ગામમાં રહેતા પ્રજાપતિ અને રાજપૂતે ભાગીદારમાં વ્યવસાય શરૂ કર્યો હતો, પરંતુ વ્યવસાયનાં નાણાંને લઈ તેમની વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદમાં જ પ્રજાપતિએ વિરારના કાંદલપાડામાં રહેતા મિત્ર તિવારીની મદદથી હત્યાને અંજામ આપ્યો હતો.

પોલીસ તપાસમાં જણાયું હતું કે રવિવારે આરોપીએ તેના ઘરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રાજપૂતની હત્યા કરી હતી. પછી તેની ઓળખ ન થાય તે માટે હથિયારથી માથું કાપીને ધડથી અલગ કરી નાખવામાં આવ્યું હતું. રાજપૂતના ધડને પ્લાસ્ટિકની ગૂણીમાં ભરીને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીક સોપારા ફાટા પાસે ઝાડીઝાંખરાંમાં ફેંકી દેવામાં આવ્યું હતું. તેનું માથું અને મોબાઈલ ફોન તાનસા નદીમાં ફેંકવામાં આવ્યા હતા.

સોમવારની સવારે મૃતકનું ધડ મળી આવ્યા પછી પેલ્હાર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ધડ મળ્યું એ સ્થળેથી પસાર થનારાં શંકાસ્પદ વાહનોની તપાસમાં પોલીસ પ્રજાપતિ સુધી પહોંચી હતી. તેણે આપેલી માહિતી પરથી તિવારીને પણ તાબામાં લેવાયો હતો. આરોપીની કબૂલાતને આધારે નદીકિનારેથી મૃતકનું માથું અને મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.