મુંબઈ: નાયગાંવ બીડીડી ચાલ પુનર્વિકાસ પ્રોજેક્ટ હેઠળ ડૉ. બાબાસાહેબ આંબેડકર બીડીડી સંકુલના ૮૬૪ પુનર્વસન ફ્લેટ્સનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં પૂર્ણ થયેલી પાંચ પુનર્વસન ઈમારતોના કુલ ૮૬૪ પાત્ર રહેવાસીઓને પ્રતીકાત્મક રીતે ફ્લેટ્સની ચાવીઓ સોંપવામાં આવી, જેમાં ૪૨૩ ફ્લેટ્સ પોલીસ વિભાગના નિવૃત્ત પોલીસ અધિકારીઓ, તેમના વારસદારો અને નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે કાર્યરત પોલીસ કર્મચારીઓ માટે છે.
ઘરની ચાવી લેતી વખતે નાગરિકોની આંખોમાં હર્ષના આંસુ હતા, ચાવી હાથમાં લેતી વખતે તેમના હાથ ધ્રૂજી રહ્યા હતા. હક્કના ઘરની ચાવી લેતી વખતે કેટલાક નાગરિકોના હૃદય ભરાઈ આવ્યા હતા.
મુખ્ય પ્રધાને આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આ મુંબઈનો એક એવો વિષય હતો જે રાજ્યમાં છેલ્લા ૪૦ વર્ષોથી ચર્ચાઈ રહ્યો હતો. ૨૦૧૪માં મુખ્ય પ્રધાન બન્યા પછી જ્યારે મેં બીડીડી ચાલના પુનઃવિકાસનો અભ્યાસ કર્યો, ત્યારે સમજાયું કે જૂની ઈમારતો અને બિલ્ડરોની અંદરોઅંદરની સ્પર્ધાને કારણે આ કામ અટકેલું હતું.
દર વખતે નવો બિલ્ડર જૂના પ્રસ્તાવને ખોટો ગણાવી પોતાનો નવો પ્લાન લાવતો, જેના કારણે લોકોમાં પણ ભાગલા પડતા. પરિણામે, ૩૦-૩૫ વર્ષોથી આ પુનઃવિકાસનું સ્વપ્ન પૂરું થતું નહોતું અને સમજાયું કે બિલ્ડરો પર ભરોસો રાખવો મુશ્કેલ છે, તેથી નિર્ણય લીધો કે સરકાર પોતે મ્હાડા દ્વારા આ પ્રોજેક્ટ પૂર્ણ કરશે' ફડણવીસે જણાવ્યું હતું.