Mon Jun 01 2026

Logo

નાગપુરમાં ફ્લેટમાંથી 2.25 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત: એકની ધરપકડ

2026-06-01 20:06:27
Author: Yogesh D Patel
Article Image

નાગપુર: નાગપુરના ઉપ્પલવાડી વિસ્તારમાં આવેલી ઇમારતમાં ભાડાના ફલેટમાંથી પોલીસે 2.25 કરોડ રૂપિયાનું 7.5 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડીને આંતરરાજ્ય ડ્રગ સિન્ડિકેટના સભ્યની ધરપકડ કરી હતી. 

જરીપટકા અને કપિલનગર પોલીસ સ્ટેશનની ટીમોએ રવિવારે જોઇન્ટ ઑપરેશન હાથ ધરી પકડી પાડેલા આરોપીની ઓળખ મઝહરઅલી અકબરઅલી (35) તરીકે થઇ હતી. ફ્લેટમાં 14 જેટલા પેકેટ્સમાં ડ્રગ્સ રાખવામાં આવ્યું હતું. 

આરોપીએ દાવો કર્યો હતો કે ડ્રગ્સ ઉત્તર પ્રદેશના ત્રણ જિલ્લામાંથી ટ્રેન અને બસ માર્ગે આ ડ્રગ્સ નાગપુર લાવવામાં આવ્યું હતું. 

પોલીસ કમિશનર રવિન્દર સિંઘલે જણાવ્યું હતું કે શહેરમાં ડ્રગ-વિરોધી ચાલી રહેલી ઝુંબેશ હેઠળ ડ્રગ્સની જપ્તી મહત્ત્વપૂર્ણ સફળતા છે. આ કાર્યવાહીથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો શેરીઓમાં અને આપણા યુવાનો સુધી પહોંચતો અટકાવાયો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી વચેટિયા તરીકે કામ કરતો હતો. અમે ડ્રગનો સ્રોત અને નેટવર્ક સાથે સંકળાયેલા લોકોની શોધ ચલાવી રહ્યા છીએ. આ પ્રકરણે વધુ ધરપકડ થવાની શક્યતા છે. આ ડ્રગ્સ નાગપુરની ચાર અને ગ્રામીણ વિસ્તારની ત્રણ વ્યક્તિને સપ્લાય થવાનું હતું, એમ તેમણે કહ્યું હતું.

આરોપી મઝહઅલી અકબરઅલી તેના પરિવાર સાથે આઝાદનગરમાં રહે છે અને તેણે ઉપ્પલવાડી ખાતે ફ્લેટ ભાડેથી લીધો હતો, જ્યાં ડ્રગ્સ રાખવામાં આવ્યું હતું. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)