Sun Sep 06 2026

Logo

લૂંટને ઇરાદે ઘરમાં ઘૂસેલા લૂંટારાએ સિનિયર સિટીઝનની કરી હત્યા

2026-04-13 19:20:48
Author: યોગેશ સી પટેલ
લૂંટને ઇરાદે ઘરમાં ઘૂસેલા લૂંટારાએ સિનિયર સિટીઝનની કરી હત્યા

નાગપુર: નાગપુર શહેરમાં બનેલી ઘટનામાં લૂંટને ઇરાદે ઘરમાં ઘૂસેલા ત્રણ લૂંટારાએ તકિયાથી ગૂંગળાવીને તેમ જ ગળું દબાવી દિવ્યાંગ સિનિયર સિટીઝનની કથિત હત્યા કરી હતી. પોલીસે એક આરોપીને પકડી પાડ્યો હતો, જ્યારે તેના બે સાથીની શોધ હાથ ધરી હતી.અધિકારીના જણાવ્યા મુજબ ઘટના રવિવારની વહેલી સવારે વાડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કૃષ્ણ નગરમાં બની હતી. મૃતકની ઓળખ સહેસરામ બાજીરાવ કેવટ (60) તરીકે થતી હતી. કેવટ ઘરમાં એકલો જ રહેતો હતો, જ્યારે તેની એક દીકરી પડોશમાં રહેતી હતી.

પોલીસે જણાવ્યું હતું કે કેવટના ઘરમાંથી શંકાસ્પદ અવાજ સંભળાતાં તેની દીકરી દોડતી આવી હતી. તે ઘરે પહોંચી ત્યારે પિતા બેડ પર મૃત અવસ્થામાં નજરે પડ્યા હતા. તેણે શકમંદોને પિતાના ઘરેથી ભાગતા જોયા હોવાનું કહેવાય છે.પોલીસે આ મામલે વિલાસ ચૌધરી (27), જિતેન્દ્ર વાગરે (25) અને પ્રવીણ ચવાણ (25) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્રણેય જણ કેવટના ઘરમાં લૂંટને ઇરાદે ઘૂસ્યા હતા. જોકે કેવટે તેમનો સામનો કરતાં અને મદદ માટે બૂમો પાડવાનો પ્રયાસ કરતાં તેની હત્યા કરવામાં આવી હતી. તકિયા વડે ગૂંગળાવીને અને ગળું દબાવીને કેવટની હત્યા કરાઈ હતી.

પ્રાથમિક તપાસ બાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. ફરાર બન્ને સાથીની વધુ વિગતો જાણવા પોલીસ પકડાયેલા આરોપીની પૂછપરછ કરી રહી છે. આ પ્રકરણે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)

વધુ જુઓ...