Sat Apr 18 2026

Logo

વાયુ સેનાનું ફાઈટર પ્લૅન ખોટકાતાં નાગપુર ઍરપોર્ટનો રનવે રાતભર બંધ

2026-04-18 18:49:49
Author: Yogesh C Patel
Article Image

99 ફ્લાઈટ રદ થતાં પ્રવાસીઓને હાલાકી: ઊતરાણ માટેની 12 ફ્લાઈટ અન્યત્ર વાળવામાં આવી

પુણે: ઊતરાણ વખતે ભારતીય વાયુ સેનાના ફાઈટર પ્લૅનમાં ટેક્નિકલ ખામી સર્જાતાં નાગપુર ઍરપોર્ટનો રનવે રાતભર બંધ રાખવો પડ્યો હતો. શનિવારની સવારે રનવે ફરી ખુલ્લો મુકાયો ત્યાં સુધીમાં 99 ફ્લાઈટ રદ થવાને કારણે પ્રવાસીઓ ઍરપોર્ટ પર જ રઝળી પડ્યા હતા. એ સિવાય 12 ફ્લાઈટ ગુજરાતના સુરત અને ગોવા ઍરપોર્ટ તરફ વાળવી પડી હતી.

પુણે ઍરપોર્ટના ડિરેક્ટર સંતોષ ઢોકેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારની રાતે 10.25 વાગ્યે વાયુ સેનાના ફાઈટર ઍરક્રાફ્ટના નીચેના ભાગમાં ટાયર પાસે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેને પગલે ઊતરાણ વખતે પ્લૅન ખોટકાયું હતું. આ ઘટનાને કારણે રનવે બંધ કરવામાં આવ્યો હતો.

નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે વિમાનમાંના બન્ને પાઈલટ સુરક્ષિત છે. ઍરક્રાફ્ટની સ્થિતિ અને નુકસાનને કારણે ઍરપોર્ટ ઓથોરિટી દ્વારા મળસકે 5.30 વાગ્યા સુધી રનવે કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યો હતો. ખોટકાયેલું વિમાન ખસેડવામાં સમય લાગવાનો હોવાથી રનવે બંધ રાખવાની સમયમર્યાદા સવારે નવ વાગ્યા સુધી વધારવામાં આવી હતી.

આ અંગે ઈન્ડિયન ઍર ફોર્સે (એઆઈએફ) એક્સ પર પોસ્ટ મૂકી જણાવ્યું હતું કે તેમના એક ઍરક્રાફ્ટમાં સમસ્યા સર્જાવાને કારણે રનવે બંધ કરાયો છે. આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ કે નાગરી મિલકતને નુકસાન થયું નથી.
આ ઘટનાને કારણે પ્રવાસીઓએ સહન કરવું પડ્યું હતું.

પુણે ઍરપોર્ટનો એકમાત્ર રનવે બંધ થવાને કારણે ઊતરાણ કરનારાં વિમાનોને સુરત, ગોવાના મોપા, નવી મુંબઈ, ચેન્નઈ અને કોઈમ્બતુર ઍરપોર્ટ તરફ વાળવામાં આવ્યાં હતાં. બીજી બાજુ વિમાનોનાં ઉડ્ડયન રદ કરવા પડ્યાં હતાં. 99 ફ્લાઈટ રદ કરાઈ હતી, જેમાં સૌથી વધુ ઈન્ડિગોની ફ્લાઈટનો સમાવેશ થાય છે. ફ્લાઈટ્સ રદ કરવામાં આવતાં પ્રવાસીઓ ઍરપોર્ટ પર ફસાયા હતા. તેમના માટે નાસ્તા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કહેવાય છે.

દરમિયાન ખોટકાયેલા વિમાનને સમારકામ પછી રનવેથી દૂર ખસેડાયું હતું. ઢોકેના જણાવ્યા મુજબ મળસકે 5.45 વાગ્યે વાયુ સેનાનું ઍરક્રાફ્ટ ખસેડી રનવે ફરી કાર્યરતની જાહેરાત કરાઈ હતી. રનવે પરથી સવારે 7.30 વાગ્યે ઉડ્ડયન શરૂ કરાયાં હતાં, જ્યારે લૅન્ડિંગ આઠ વાગ્યાથી શરૂ કરાયું હતું.