ટાટા સન્સ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને આજે એટલે કે 12 ઓગસ્ટે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. ફેબ્રુઆરીમાં ટાટા સન્સના બોર્ડે તેમને ફરી ચેરમેન નિયુક્ત કરવાના નિર્ણયને ટાળી દીધો હતો. આ સમાચાર એટલા માટે પણ મોટા છે કારણ કે 18 ઓગસ્ટે ટાટા સન્સની એન્યુઅલ જનરલક મીટિંગ મળવાની છે.
હાલ તરત નહીં છોડે પદ
સમગ્ર મામલે જાણકારી ધરાવતા સૂત્રએ જણાવ્યું કે તેઓ પોતાનો વર્તમાન કાર્યકાળ પૂર્ણ કરશે જે ફેબ્રુઆરી 2027 સુધીનો છે. એન.ચંદ્રશેખરન વર્ષ 2017થી ટાટા સન્સના ચેરમેન છે. આ પહેલા તેઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ એટલે કે TCSના CEO રહી ચૂક્યા છે. તેઓ 1987માં ટાટા ગ્રુપ સાથે જોડાયા હતા.
ચંદ્રશેખરનના કાર્યકાળને લઇને હતા મતભેદો
ચંદ્રશેખરનના કાર્યકાળને લઇને ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ્સ વચ્ચે મતભેદ સામે આવ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં ચંદ્રશેખરનને ફરી ચેરમેન બનાવવા નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા તેમની પુનઃનિમણૂકનો વિરોધ કર્યો હતો. રિપોર્ટ અનુસાર ટાટા ઇચ્છતા હતા કે ટાટા સન્સ ભવિષ્યમાં ક્યારેય શેર બજારમાં લિસ્ટ ન થાય પરંતુ ચંદ્રશેખરન આ શરત પર સહમત ન હતા. બન્ને પક્ષો વચ્ચે બોર્ડમાં પ્રતિનિધિત્વને લઇને મતભેદની વાતો સામે આવી હતી.
AGM વોટિંગ પર સસ્પેન્સ
18 ઓગસ્ટે યોજાનારી કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં ચંદ્રશેખરનને બોર્ડમાં ફરીથી ડાયરેક્ટર તરીકે ચૂંટવા માટે વોટિંગ થવાનું છે. જો તેઓ ડાયરેક્ટર તરીકે નથી રહેતા, તો ચેરમેનના પદ પર પણ ટકી રહેવું મુશ્કેલ બની શકે છે. મહત્વનું છે કે રતન ટાટાના અવસાન પછી ટાટા ટ્રસ્ટ્સ અને ટાટા સન્સ વચ્ચે શેરહોલ્ડિંગ અને વોટિંગ અધિકારોને લઈને કાનૂની ગૂંચવણો ઊભી થઈ છે.
એક તરફ ટાટા સન્સ બોર્ડ ચંદ્રશેખરનને આગામી 5 વર્ષ માટે મુદત લંબાવી આપવા માંગતું હતું, પરંતુ નોએલ ટાટા જૂથે 65 વર્ષના રિટાયરમેન્ટ નિયમનો હવાલો આપતાં માત્ર 2 વર્ષના કાર્યકારી કાર્યકાળની તરફેણમાં વાત કરી હતી.