(અમારા પ્રતિનિધી તરફથી)
મુંબઈ: માલમત્તા કર બાકી રાખનારા મોટા લેણદાર વિરુદ્ધ પાલિકા એ કડક પગલાં ભરતાં જપ્તી અને લિલામી કાર્યવાહીનો ધડાકો શરૂ કર્યો છે. આ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાના કર નિર્ધારણ અને વસૂલાત વિભાગ દ્વારા ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ, કુલ ૧૨ મિલકતોની જાહેર ઇ-લિલામી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમાં ૧૦ ખાલી પ્લોટ, એક વ્યાવસાયિક ઈમારત અને એક અન્ય સાથે ઇમારતનો સમાવેશ થાય છે. આ ૧૨ ડિફોલ્ટર પાસે દંડ સહિત કુલ ૩૭૮ કરોડ ૬૩ લાખ ૬૭ હજાર ૫૫૭ રૂપિયા જેટલી મોટી બાકી રકમ બાકી છે. વારંવાર નોટિસ આપ્યા છતાં બાકી કર ન ભરતા સંબંધિત ૧૨ મિલકતધારકોને કર ભરવા માટે ૨૧ દિવસની અંતિમ નોટિસ આપવામાં આવી છે. આ સમયમર્યાદામાં કર ન ભરાય તો લિલામી કરવામાં આવશે. તે માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આ દરમિયાન પ્રોપર્ટી ટેક્સ બાકી રાખનાર સંસ્થાઓ સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહે
આ જ અંતર્ગત પાલિકાના એચ પશ્ચિમ, એસ, આર દક્ષિણ અને ઈ વોર્ડ માં ડિફોલ્ટરની મિલકતો પર સુધારેલા મુંબઈ મહાનગરપાલિકા અધિનિયમ, ૧૮૮૮ ની કલમ ૨૦૬ (૨) મુજબ લિલામી નોટિસ જારી કરવામાં આવી છે. આ બાર મિલકતોની જાહેર ઇ-લિલામી દ્વારા વેચાણ કરવામાં આવશે.
તેમાં એચ પશ્ચિમ વિભાગમાં મેસર્સ સુમેર એસોસિયેટ્સના નામે નોંધાયેલ પ્લોટ (બાકી રકમ ૧૮૮ કરોડ ૪૬ લાખ ૨૪૭ રૂપિયા), અંધેરી પૂર્વ ખાતે વલ્લભદાસના નામે નોંધાયેલ વ્યાવસાયિક ઈમારત (બાકી રકમ ૪૭ કરોડ ૦૨ લાખ ૯૯ હજાર ૬૮૭ રૂપિયા), આર દક્ષિણ વિભાગમાં કાંદિવલી પૂર્વ ખાતે વિઠ્ઠલરાવ ખાપરેના નામે નોંધાયેલ પ્લોટ (બાકી રકમ ૬૪ લાખ ૨૯ હજાર ૪૬૧ રૂપિયા), એચ પશ્ચિમ વિભાગમાં સેતપાલના નામે પ્લોટ (બાકી રકમ ૧૦ કરોડ ૪ લાખ ૨૭ હજાર ૮૨૫ રૂપિયા), ઈ વિભાગમાં રે રોડ ખાતે મુલ્લા ગુલામ અલીના નામે નોંધાયેલ ૩ પ્લોટ (બાકી રકમ અનુક્રમે ૦૯ કરોડ ૩૯ લાખ ૧૦ હજાર ૬૬૮ રૂપિયા, ૦૪ કરોડ ૧૫ લાખ ૧૯ હજાર ૮૩૦ રૂપિયા અને ૮૫ કરોડ ૩૮ લાખ ૭૮ હજાર ૧૮૫ રૂપિયા), એચ પશ્ચિમ વિભાગમાં ખાર ખાતે પી.કે. મોદીના નામે પ્લોટ (બાકી રકમ ૨ કરોડ ૧૪ લાખ ૫૩ હજાર ૦૪૬ રૂપિયા), એચ પશ્ચિમ વિભાગમાં મેસર્સ એલ્કો આર્કેડ રહેણાંક અને બિનરહેણાંક સહકારી ગૃહનિર્માણ સંસ્થાના નામે મિશ્ર ઉપયોગની મિલકત (બાકી રકમ ૯ કરોડ ૭૬ લાખ ૨૦ હજાર ૩૩૬ રૂપિયા), યુસુફ અહમદના નામે ખાર પશ્ચિમ ખાતે પ્લોટ (બાકી રકમ ૨ કરોડ ૪૭ લાખ ૪૫ હજાર ૯૯૯ રૂપિયા), વાંદ્રે ખાતે સેન્ટ પીટર્સ ચર્ચના નામે પ્લોટ (બાકી રકમ ૧૨ કરોડ ૬૪ લાખ ૯૮ હજાર ૭૪૨ રૂપિયા) અને સાંતાક્રુઝ પશ્ચિમ ખાતે હરદેવી પી. રાજપાલના નામે પ્લોટ (બાકી રકમ ૬ કરોડ ૪૯ લાખ ૯૨ હજાર ૫૩૧ રૂપિયા) વગેરેનો સમાવેશ થાય છે.
આ તમામ લેણદારોને કર ભરવા માટે ૨૧ દિવસની અંતિમ નોટિસ આપવામાં આવી છે. આ સમયગાળામાં કર ન ભરાય તો નિયમિત પ્રક્રિયા મુજબ લિલામી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત, મિલકત કર ભરવામાં ટાળટૂળ કરનાર તેમજ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં મિલકત કર ન ભરનાર મોટા બાકીદારોને બૃહન્મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કલમ ૨૦૩ મુજબ જપ્તીની નોટિસ આપવામાં આવી રહી છે. નિર્ધારિત સમયમર્યાદામાં કર ન ભરાય તો મુંબઈ મહાનગરપાલિકા અધિનિયમ મુજબ સંબંધિત મિલકત પર કલમ ૨૦૩, ૨૦૪, ૨૦૫ અને ૨૦૬ હેઠળ પ્રથમ તબક્કામાં મિલકતમાં રહેલી ચીજવસ્તુઓ જપ્ત કરી લિલામી કરવામાં આવશે. માનનીય ઉચ્ચ ન્યાયાલયની અરજી ક્રમાંક ૨૫૯૨/૨૦૧૩ના અંતરિમ આદેશ અનુસાર, જો સંબંધિત મિલકત પાસેથી બાકી કર વસૂલ ન થાય તો મિલકતની લિલામી કરવામાં આવશે, એવું નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.