જોકે ૨૦ ઑગસ્ટ સુધી પાણીનું આયોજન હોવાનું પાલિકાનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. હાલ સાતેય જળાશયોમાં માત્ર ૧૭.૮૫ ટકા જેટલું પાણી બચ્યુંં છે. ગરમી અને બાષ્પીભવનને કારણે પાણીનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે ત્યારે તકેદારીના પગલારૂપે અને નબળા ચોમાસાની શક્યતા વચ્ચે હાલ મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ લાદવામાં આવ્યો છે, છતાં મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગના કહેવા મુજબ મુંબઈને ૧૯ ઑગસ્ટ સુધી ચાલી રહે એ મુજબનું આયોજન કરવામાં આવ્યું હોઈ મુંબઈગરાએ ચિંતા કરવાની જરૂર નથી, છતાં નાગરિકોેએ પાણી સંભાળીને વાપરવાનું રહેશે.
મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં દિવસેને દિવસે પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે, મંગળવારે સવારના સાતેય જળાશયોમાં કુલ મળીને ૨,૫૮,૪૧૦ મિલ્યન લિટર જેટલો પાણીનો જથ્થો બાકી બચ્યો હતો. જોકે આ પાણી છેલ્લાં બે વર્ષની સરખામણીમાં વધુ છે, છતાં નબળા ચોમાસાની શકયતા વચ્ચે ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવ્યો છે. છતાં જો ચોમાસું લંબાઈ જાય અથવા ઓછો વરસાદ પડે તો પાણીકાપમાં વધારો કરવા બાબતે પણ પાલિકા પ્રશાસન વિચારધીન હોવાનું જાણવા મળ્યું હતું.
પાલિકાના પાણીપુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ હાલ ૧૦ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો છે અને રાજ્ય સરકારની માલિકીના જળાશયોમાંથી પણ પાલિકાનું પાણી ઉપલબ્ધ થવાનું છે. તેથી હાલ ચિંતા કરવા જેવું નથી. છતાં તકેદારી રાખવાની આવશ્યકતા છે.
પાલિકાના પાણીપુરવઠા વિભાગના હાઈડ્રોલિક એન્જિનિયર દિલીપ પાટીલે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મુંબઈ માટે અપર વૈતરણા અને ભાતસા તળાવોમાંથી લગભગ બે લાખ મિલ્યન લિટર જેટલો પાણીનો અનામત સ્ટોક મંજૂર કર્યો છે. પહેલાથી જ લાદવામાં આવેલા પાણીકાપની સાથે જ અમે પુરવઠાનું આયોજન એવી રીતે કર્યું છે કે ઉપલબ્ધ સ્ટોક ૧૯ ઓગસ્ટ સુધી ટકી શકે. અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ, જેમાં ભારતીય હવામાન વિભાગની આગાહી અને જૂન દરમિયાન કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદની પ્રતિક્રિયાનો સમાવેશ થાય છે. પરિસ્થિતિના આધારે, જો જરૂરી હોય તો પાણીકાપ વધારવા અથવા કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટને પાણી પુરવઠો મર્યાદિત કરવા જેવા વધુ પગલાં પણ ધ્યાનમાં લેવામાં આવી શકે છે.
મુંબઈને પાણી પૂરું પાડતા તમામ બંધોમાં માત્ર ૧૭.૮૫ ટકા પાણી સંગ્રહ બાકી છે. મુંબઈને મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, વિહાર, તુલસી અને રાજ્ય સરકારના અપર વૈતરણા, ભાતસા આ સાત બંધમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. સાતેય બંધોની પાણી સંગ્રહ ક્ષમતા ૧૪ લાખ ૪૭ હજાર ૩૬૩ મિલ્યન લિટર છે. તેમાંથી મુંબઈને પ્રતિદિન ૩,૯૦૦ મિલ્યન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. . જોકે, હાલમાં, બધા સાત ડેમમાં કુલ ૨,૫૮,૪૧૦ મિલ્યન લિટર અથવા ૧૮ ટકા પાણીનો સંગ્રહ છે. ગયા વર્ષે, બધા સાત ડેમમાં આ જ તારીખે ૧૫.૩૫ ટકા પાણીનો સંગ્રહ હતો, જ્યારે ૨૦૨૪ માં, તેમાં ૯.૪૬ ટકા પાણીનો સંગ્રહ હતો.
રાજ્ય સરકાર તરફથી અપર વૈતરણા અને ભાતસા ડેમમાં અનુક્રમે ૯૦,૦૦૦ મિલ્યન લિટર અને ૧,૪૭,૦૯૨ મિલ્યન લિટર અનામત પાણીનો સંગ્રહ કરવાની પરવાનગી મળી ગઈ છે. જોકે, સૂત્રોએ માહિતી આપી હતી કે આ અનામત પાણીનો સંગ્રહ ત્યારે જ ઉપયોગમાં લેવાશે જ્યારે સાતેય ડેમમાં પાણીનો સંગ્રહ દસ ટકા કે તેથી ઓછો ઘટશે.