Sun Mar 08 2026

Logo

આનંદોઃ મુંબઈથી વિજયદુર્ગ માત્ર 7 કલાકમાં, જાણો રો-રો સેવાનું સમયપત્રક

5 days ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ કોંકણવાસીઓ લાંબો સમયથી જળમાર્ગ પ્રવાસના વિકલ્પની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઘણા વખતથી રખડી પડેલ મુંબઈ-વિજયદુર્ગ રો-રો સેવાનું મુહૂર્ત આખરે નીકળ્યું છે. આ સાથે કોંકણમાં આજે દરિયાઈ પરિવહનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.

આ સેવા આજથી શરૂ થઈ છે. તેના દ્વારા મુંબઈથી વિજયદુર્ગ માત્ર 7કલાકમાં પહોંચી શકાય છે. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ સેવાની શરૂઆત બદ્દલ લોકોને અભિનંદન આપ્યા છે.

આને એશિયાની સૌથી ઝડપી રો-રો ફેરી સેવા માનવામાં આવે છે. આ ફેરી દર બુધવાર અને શનિવારે સવારે 8 વાગ્યે મુંબઈથી ઉપડશે અને બપોરે 3 વાગ્યે વિજયદુર્ગ પહોંચશે. મુંબઈ પરત ફરવા માટે આ બોટ દર ગુરુવાર અને રવિવારે બપોરે 1 વાગ્યે વિજયદુર્ગથી ઉપડશે અને સાંજે 7 વાગ્યે મુંબઈ પહોંચશે. 

જળ પરિવહનને પ્રોત્સાહન આપવાની સરકારની પહેલના ભાગ રૂપે મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડે M2M ફેરીઓને મુંબઈ-કોંકણ રૂટ પર પેસેન્જર રો-પેક્સ ફેરી સેવાઓ ચલાવવાની મંજૂરી આપી છે.આ ફેરીમાં મુસાફરીનું ભાડું ઇકોનોમી માટે 2,500 રૂપિયા, પ્રીમિયમ ઇકોનોમી માટે 4,000 રૂપિયા, ટુ-વ્હીલર માટે 1,000 રૂપિયા, સાયકલ માટે 600 રૂપિયા અને ફોર-વ્હીલર માટે 6,000 રૂપિયા રહેશે.

આ સેવા માટે 625 ટિકિટમાંથી શનિવારે રાત્રે 8:30 વાગ્યા સુધીમાં 446 ટિકિટો વેચાઈ ગઈ હતી. મોડી રાત સુધી ટિકિટ વેચાણ ચાલુ હતું, તેથી પહેલા દિવસે 450 થી વધુ મુસાફરો પ્રવાસ કરશે, અને આ બોટ સવારે ભાઉચા ધક્કાથી રવાના થશે.