Fri Sep 11 2026

Logo

મુંબઈ-પુણે વચ્ચેનો રેલ પ્રવાસ થશે ઝડપી: ૧૦ રેલવે ફાટક બંધ કરાશે

2026-04-04 18:28:21
Author: Sapna Desai
મુંબઈ-પુણે વચ્ચેનો રેલ પ્રવાસ થશે ઝડપી: ૧૦ રેલવે ફાટક બંધ કરાશે

મુંબઈ: મુંબઈ ઉપનગરીય રેલવે તેમ જ લાંબા અંતરની ગાડીઓની ઝડપ વધારવા માટેમધ્ય રેલવે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. કલ્યાણથી લોનાવાલા દરમ્યાનના રૂટ પર ૧૦ રેલવે ફાટકને કાયમી સ્વરૂપે બંધ કરવામાં આવવાના છે. ફાટક બંધ કરીને અમુક ઠેકાણે રેલવે ઓવર બ્રિજ અને અમુક ઠેકાણે પાટા નીચે સબ-વે બનાવવામાં આવવાના છે. આ કામને કારણે મુંબઈ-પુણે વચ્ચેનું અંતર વધુ ઝડપથી પાર કરી શકાશે.

રેલવે ફાટકને કારણે ટ્રેનોની ઝડપ ઘટી જાય છે અને સમય પણ વેડફાઈ જાય છે. સાધારણ રીતે એક ફાટક પર ૮થી ૧૦ મિનિટનો સમય લાગે છે. તેથી ફાટકની જગ્યાએ પૂલ અને સબ-વે બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે લગભગ ૧૮૩ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત હોઈ બે વર્ષમાં કામ પૂર્ણ કરવાનું આયોજન છે.

આ નિર્ણયથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કર્જત તેમ જ ખપોલી દરમ્યાન દરરોજ દોડતી લોકલ ટ્રેનને મોટો ફાયદો થશે. એ સિવાય મુંબઈ-પુણે દોડતી મેલ અને એક્સપ્રેસ ગાડીઓની પણ સ્પીડ વધશે. ફાટક બંધ થવાની ટ્રેનોની સ્પીડ તો વધશે પણ સાથે જ એક્સિડન્ટનું પ્રમાણ પણ ઘટવામાં મદદ મળશે.મળેલ માહિતી મુજબ આ પ્રોજેક્ટ અંતર્ગત ભિવપુરી-કર્જત વચ્ચે ત્રણ, બદલાપુર-વાંગણી વચ્ચે બે અને વાંગલી-શેપુ દરમ્યાન બે, નેરળ-ભિવપુરી વચ્ચે બે તેમ જ શેલુ-નેરળ દરમ્યાન એક એમ કુલ ૧૦ પૂલ-સબ-વે ઊભા કરવાની યોજના છે.