Mon Aug 31 2026

Logo

મુંબઈમાં લોકલાડિલા ગઝલ ગાયકની યાદમાં 'પદ્મ ભૂષણ પંકજ ઉધાસ ચોક'નું નામકરણ

2026-05-19 21:22:46
Author: Mumbai Samachar Team
મુંબઈમાં લોકલાડિલા ગઝલ ગાયકની યાદમાં 'પદ્મ ભૂષણ પંકજ ઉધાસ ચોક'નું નામકરણ

રાજકોટ અને જેતપુર સાથે જોડાયેલી છે સ્વર્ગસ્થ ગઝલ ગાયકની યાદો 

મુંબઈઃ સ્વર્ગસ્થ ગાયક પંકજ ઉધાસની 75મી જયંતી પર મુંબઈના પેડર રોડ ઉપર સોફિયા કોલેજ લેનની સામેના ચોકને પદ્મ ભૂષણ પંકજ ઉધાસ ચોકનું નામ આપવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ચોક તે મહાન કલાકારની યાદમાં બનાવવામાં આવ્યો છે, જેણે મુંબઈને પોતાનું ઘર બનાવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે, 17મે 1951માં જન્મેલા પકંજ ઉધાસનું 26 ફેબ્રુઆરી 2024માં 72 વર્ષની ઉંમરે મુંબઈ ખાતે નિધન થયું હતું. લાંબા સમયથી તેઓ બીમાર હતા.

પંકજ ઉધાસ 'આહત' નામના ગઝલ આલ્બમથી કારકિર્દીની શરુઆત કરી હતી. પંકજ ઉધાસનો જન્મ રાજકોટ જિલ્લાના  જેતપુરમાં થયો હતો. તેમના બે ભાઈ છે. તેમના મોટા ભાઈ મનહર ઉધાસે હિન્દી ફિલ્મમાં પ્લેબેક સિંગર તરીકે નામના મેળવી હતી.

સ્વર્ગસ્થ ગઝલ ગાયક પંકજ ઉધાસની સ્મૃતિમાં આયોજિત 'પદ્મ ભૂષણ પંકજ ઉધાસ ચોક'ના ઉદ્ઘાટન પ્રસંગે તેમના પુત્રી નાયાબ ઉધાસે કહ્યું હતું કે "અમે બીએમસી અને તેમની સમગ્ર ટીમના ખૂબ ખૂબ આભારી છીએ કે પિતાની 75મી જન્મજયંતિ પર અમે તેમને આ શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છીએ. તેઓ ફક્ત મારા પિતા જ નહોતા, તેઓ મારા શ્રેષ્ઠ મિત્ર હતા - તેઓ મારા માટે બધું જ હતા. આજનો દિવસ અમારા માટે એક મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે અમે આને વાસ્તવિકતા બનાવવામાં સફળ થયા છીએ."

ગાયક સોનુ નિગમે આ પ્રસંગે કહ્યું કે, "પંકજ જી મારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, આજે અહીં જે પણ થઈ રહ્યું છે તે જોઈને મને ખૂબ આનંદ થાય છે - ખાસ કરીને તેમના વારસાને જીવંત રાખવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને જોઈને સારૂં લાગી રહ્યું છે."

રાજકોટની સંગીત નાટ્ય અકાદમીમાં ચાર વર્ષ સુધી તબલા વગાડવાની કલા શીખ્યા પછી, પંકજ ઉધાસે મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બેચલર ઑફ સાયન્સની ડિગ્રી મેળવી હતી. ભારત-ચીન યુદ્ધ દરમિયાન પંકજના મોટા ભાઈ મનહર ઉધાસનો સ્ટેજ શો ચાલી રહ્યો હતો. આ દરમિયાન પંકજે સ્ટેજ પર 'એ મેરે વતન કે લોગોં' ગીત ગાયું હતું. આ ગીતથી ખુશ થઈને એક દર્શકે પંકજને 51 રૂપિયાનું ઈનામ આપ્યુ હતું. 

પંકજ ઉધાસને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમના પુરસ્કાર શ્રેષ્ઠ ગઝલ ગાયક તરીકે કેએલ સાયગલ પુરસ્કાર, ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વાર સન્માન, ઈન્દિરા પ્રિયદર્શની પુરસ્કાર, પ્રસ્તુત ઉત્કૃષ્ટ કલાત્મક પુરસ્કાર, મુંબઈ ખાતે પ્રસ્તુત સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠતા માટે પુરસ્કારર, એમટીવી ઈમીઝ એવોર્ડ. આ પ્રકારના પંકજને અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે.