(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વાતચીતમાં ભોળવીને એટીએમ કાર્ડની અદલાબદલી કર્યા પછી બૅન્ક ખાતામાંથી નાણાંની કથિત ઉચાપત કરનારા બે આરોપીની માનખુર્દ પોલીસે ધરપકડ કરી હતી. પકડાયેલા બન્ને આરોપીની ઓળખ કિસ્મત અલી બરકત અલી શેખ (30) અને પરવેઝ અકબર અલી શેખ (37) તરીકે થઈ હતી. ટિટવાલાના મહારાળ ગાંવ ખાતે રહેતા બન્ને આરોપી પોલીસ કસ્ટડીમાં હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.
માનખુર્દમાં રહેતી મહિલાએ પાંચમી ઑગસ્ટે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ફરિયાદ અનુસાર મહિલા માનખુર્દના મંગલમૂર્તિ જંક્શન ખાતેના ખાનગી બૅન્કના એટીએમ સેન્ટરમાં રૂપિયા કઢાવવા ગઈ હતી.
મહિલા મશીનમાંથી રૂપિયા કઢાવતી હતી ત્યારે પાછળ ઊભા રહીને એક આરોપીએ કાર્ડનો પિન નંબર જોઈ લીધો હતો. પછી મહિલાને વાતોમાં ભોળવી તેનું એટીએમ કાર્ડ લઈને ડુપ્લિકેટ કાર્ડ આરોપીએ પધરાવ્યું હતું. ત્યાર બાદ બીજા એટીએમ સેન્ટરમાં જઈને મહિલાના ખાતામાંથી નાણાં કઢાવી લીધાં હતાં.
પોલીસે બન્ને એટીએમ સેન્ટરના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી આરોપીઓની ઓળખ મેળવી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી બન્નેને ટિટવાલાના તેમના નિવાસસ્થાનેથી તાબામાં લેવાયા હતા. ફૂટેજમાં આરોપીના એક સાથીની પણ ઓળખ થઈ હતી. પોલીસ તેની શોધ ચલાવી રહી છે.