Sat May 02 2026

Logo

મુંબઈ-ગોવા હાઈવે પર ટૅન્કર ઊંધું વળ્યું: ઘાતક રસાયણ નદીના પાણીમાં ભળી જતાં ગભરાટ

2026-04-04 19:31:10
Author: Yogesh C Patel
Article Image

રત્નાગિરિ: મુંબઈ-ગોવા હાઈવે પર રત્નાગિરિના ખેડ નજીકના પુલ પર રસાયણ ભરેલું ટૅન્કર ઊંધું વળી ગયું હતું. ટૅન્કરમાં ગળતર થતાં ઘાતક રસાયણ પુલ નીચેથી વહેતી નદીના પાણીમાં ભળી જવાને કારણે ગભરાટ ફેલાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર મુંબઈથી ઈથેનૉલ રસાયણ ભરેલું ટૅન્કર લોટે એમઆઈડીસી તરફ જઈ રહ્યું હતું. શનિવારની સવારે ખેડ નજીક ભરણે નાકા પાસેના પુલ પરથી ટૅન્કર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. ટૅન્કર ઊંધું વળી જતાં તેમાંથી રસાયણનું ગળતર થવા લાગ્યું હતું.
ટૅન્કરમાંથી હજારો લિટર જ્વલનશીલ એવું ઘાતક રસાયણ પુલ પર ફરી વળ્યું હતું. પછી એ રસાયણ પુલ નીચેથી વહેતી જગબુડી નદીના પાણીમાં પડ્યું હતું.

કૅમિકલ ભળી જવાને કારણે નદીનું પાણી સફેદ રંગનું થવા લાગ્યું હતું અને આસપાસના પરિસરમાં તીવ્ર દુર્ગંધ ફેલાવા લાગી હતી.કહેવાય છે કે આ ઘટના જ્યાં બની એ જ પરિસરમાં ખેડ શહેર સહિત આજુબાનાં અનેક ગામોને પાણીપુરવઠો કરનારી યોજનાના કૂવા છે. નદીના પાણીમાં રસાયણ ભળવાને કારણે હવે એ પાણી પીવા લાયક રહ્યું નહોતું. પરિણામે સતર્કતા ખાતર અનેક ગામોનો પાણીપુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો.

બનાવની જાણ થતાં ખેડ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કેમિકલ જ્વલનશીલ હોવાથી મોટી આગ લાગવાનો ભય હોવાથી કલાકો સુધી વાહનવ્યવહાર રોકવામાં આવ્યો હતો. રસાયણના ગળતરને રોકવા માટે નિષ્ણાતોની ટીમને બોલાવવામાં આવી હતી. અકસ્માતગ્રસ્ત ટૅન્કરને પુલ પરથી દૂર ખસેડવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી.