Fri May 01 2026

Logo

ગારગાઈ ડેમ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન ઝડપી બનાવવા સુધરાઈ સ્પેશિયલ સેલ બનાવશે

2026-03-31 08:56:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલઘર જિલ્લામાં ગારગાઈ ડેમ પ્રોજેક્ટ માટે બાકી રહેલી ઔપચારિકતા પૂર્ણ કરવા માટે  ખાસ જમીન સંપાદન સેલની સ્થાપના કરવાનો પ્રસ્તાવ પાલિકા પ્રશાસન સ્થાયી સમિતિમાં મંજૂરી માટે લાવી છે. તાજેતરમાં સ્થાયી સમિતિએ ગારગાઈ ડેમ પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબ અને ખર્ચમાં થઈ રહેલા વધારાને કારણે પ્રોજેક્ટને અટકાવ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રસ્તાવિત સેલમાં બે વધારાના કલેકટર, ચાર ડેપ્યુટી કલેકટર અને ચાર તહેસીલદાર સહિત ૧૦ અધિકારી હશે. આ ટીમની નિમણૂક ૨૬ એપ્રિલ, ૨૦૨૬થી ૩૧ માર્ચ, ૨૦૨૭ સુધીના સમયગાળા માટે કામચલાઉ ધોરણે કરવામાં આવશે.

પાલિકાના પ્રસ્તાવ મુજબ કલેટરની ઓફિસ અને મહેસૂલ વિભાગના અધિકારીઓને પાલિકાના ભંડોળમાંથી ચૂકવણી કરવામાં આવશે, કારણકે આ અધિકારીઓ જમીન સંપાદનમાં સીધા સામેલ રહેશે. આ નિમણૂક રોટેશનલ હશે. પાંચ અધિકારીઓ જેમાં એક એડિશનલ કલેકટર, બે ડેપ્યુટી કલેકટર અને બે તહસીલદારનો સમાવશ થાય છે. તે પહેલા  છ મહિના માટે સેવા આપશે અને ત્યારબાદ બાકીના પાંચ આગામી છ મહિના માટે સેવા આપશે.
આ સ્પેશિયલ સેલમાં કલેકટર ઓફિસ અને મહેસૂલ વિભાગના અધિકારીઓના સમાવેશ થશે. જેઓ જમીન સંપાદન સાથે સીધી રીતે વ્યવહાર કરશે. તેથી જમીન સંપદાનની બાકીની પ્રક્રિયા સરળ બનશે અને પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થઈ શકશે.

ગારગાઈ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત વ્યક્તિઓને પુનર્વસન માટે અને વૃક્ષોના પુનરોપણ માટે ૬૫૮ હેકટર જમીનની જરૂરિયાત પડશે. આમાંથી અત્યાર સુધી ૫૭૪ હેકટર જમીનનું સપંદાન થઈ ગયું છે જયારે ૮૪ હેકટર હજુ બાકી છે. અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુદી સંપાદિત કરાયેલી જમીનમાં ચંદ્રપુરમાં હિંગોલી અને વાશિમ જિલ્લામાં સ્થિત અનેક જમીનના પ્લોટ છે. 

આ અગાઉ ૧૧ માર્ચના સ્થાયી સમિતિમા ગારગાઈ ડેમ પ્રોજેક્ટને  લગતો પ્રસ્તાવ મંજૂરી માટે આવ્યો હતો, જેને સમિતિએ ફગાવી દીધો હતો.  પાલિકા જમીન સંપાદન પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું હોવાનું તેમ જ ખર્ચમાં ઓછામાં ઓછો નવ ટકાનો વધારો થયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

ગારગાઈને કારણે મુંબઈના પાણીપુરવઠામાં વધારાનું ૪૫૦ મિલ્યન લિટર પ્રતિ દિવસ પાણીનો વધારો થવાની શકયતા છે. મુંબઈની પાણીની દૈનિક માગ હાલમાં ૪,૨૦૦ મિલિયન લિટર છે, તેની સામે પાલિકા હાલ ફક્ત ૩,૮૫૦ મિલ્યન લિટર જેટલો પાણીપુરવઠો કરી રહી છે. એક વખત તમામ મંજૂરી મળી જાય અને બાંધકામ શરૂ થઈ જાય એ પછી પ્રોજેક્ટ પૂર્ણ થવામાં છ વર્ષનો સમય  લાગવવાની ધારણા છે.
લગભગ એક દાયકા પહેલા જાહેર કરવામાં આવેલા આ પ્રોજેક્ટ મૂળ ૨૦૨૫ સુધીમા કાર્યરત થવાનો હતો. જોકે પર્યાવરણીય કારણ આગળ કરીને આ પ્રોડેક્ટ અઠવાઈ ગયો હતો.