મુંબઈ: મુંબઈગરાને પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે મુંબઈ મહાનગરપાલિકાના મહત્વાકાંક્ષી ગારગાઈ બંધ પ્રોજેક્ટને આડે રહેલી તમામ અડચણ દૂર થઈ ગઈ છે. છેલ્લા બે દાયકાથી લંબાઈ રહેલા આ પ્રોજેક્ટને પાલિકાની સ્થાયી સમિતિએ મંજૂરી આપી દીધી હોઈ એપ્રિલ ૨૦૩૦ સુધીમાં આ બંધનું કામ પૂર્ણ થયા બાદ પ્રતિદિન મુંબઈગરાને વધારાનું ૪૪૦ મિલ્યન લિટર પાણી મળશે.
મુંબઈની વધતી વસતી સામે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે ૨૦૧૩માં ગારગાઈ બંધ પ્રોજેક્ટ બાંધવા માટે મુંબઈ મહાનગરપાલિકાને મંજૂરી આપી હતી, તેના લગભગ ૧૨ વર્ષ બાદ આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકીને કૉન્ટ્રેક્ટર નક્કી કરવાની પ્રક્રિયા પાર પડી હતી. બંધ બાંધવામાં ઓછામાં ઓછા ચાર વર્ષનો સમય લાગવાનો હોઈ એપ્રિલ ૨૦૩૦ સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આગામી ૧૦૦ વર્ષ સુધી ટકી રહે એવો ભૂકંપપ્રતિરોધક બાંધકામ કરવામાં આવવાનું છે. તેમ જ મિડલ વૈતરણાની માફક જ આ બંધ પર પણ વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ ઊભો કરવામાં આવવાનો છે. મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૧૪માં મિડલ વૈતરણા બંધનું બાંધકામ કર્યા બાદ નવો કોઈ બંધ અથવા પાણીપુરવઠાનો સ્રોત ઊભો કર્યો નહોતો. તેથી પાણીની માગણી અને પુરવઠામાં તફાવત વધી ગયો હતો.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં ગારગાઈ બંધ માટે ૪૩૭ કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. પાલિકાની ચૂંટણી પહેલા ગારગાઈ બંધ માટે ટેન્ડર મગાવવામાં આવ્યા હતા અને હવે સત્તા સ્થાપના બાદ પહેલા મહિનામાં જ ભાજપ-શિંદે સેનાની યુતિએ સ્થાયી સમિતિમાં ગારગાઈ બંધના પ્રોજેકટને મંજૂરી આપી દીધી છે.
સ્થાયી સમિતિની પહેલી બેઠકમાં ગારગાઈ બંધનો પ્રસ્તાવ મંજૂરી માટે આવ્યો હતો. જોેકે અંદાજિત રકમ કરતા ૧૧ ટકા બોલી વધુ હોવાથી સ્થાયી સમિતિએ પ્રસ્તાવને ફેરવિચાર માટે મોકલ્યો હતો. વાટાઘાટ બાદ કૉન્ટ્રેકટરે ૧.૯૬ ટકા દર ઓછા કર્યા હોવાથી આ પ્રોજેક્ટને ખર્ચ કર સહિત ૩૪૫ કરોડ રૂપિયાથી ઘટી ગયો છે.
ગારગાઈ બંધ એ મુંબઈની નજીક રહેલા પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં ઓગદે ગામ પાસે ગારગાઈ નદી પર બાંધવામાં આવવાનો છે. ગારગાઈ નદી પર ૩૯ મીટર ઊંચાઈનો ૯૭૯.૪ મીટર લંબાઈનો બંધ બાંધવામાં આવવાનો છે, પણ એ સાથે જ ગારગાઈથી મોડક સાગર જળાશય વચ્ચે અંદાજે ૧.૬ કિલોમીટર લંબાઈની વોટર ટનલનું બાંધકામ, હાઈડ્રો ટર્બીન, વૃક્ષોનું પ્રત્યારોપણ, અસરગ્રસ્ત ગામના પરિવારનું પુનર્વસન માટે પાયાભુત સુવિધાનો વિકાસના કામનો પણ સમાવેશ થાય છે.
વિલંબને કારણે પ્રોજેક્ટનો ખર્ચ વધી ગયો
મુંબઈ મહાનગરપાલિકાએ ૧૯૯૪માં મુંબઈના પાણીપુરવઠા બાબતે અભ્યાસ કરીને એક્શન પ્લાન બનાવવા માટે ડૉકટર માધવરાવ ચિત્તળેની સમિતિ બનાવી હતી. આ સમિતિેએ ગારગાઈ અને પિંજાણ અને મિડલ વૈતરણા આ ત્રણ બંધનો એક્શન પ્લાન મુંબઈ મહાનગરપાલિકાને તૈયાર કરી આપ્યો હતો. રાજ્ય સરકારે ૨૦૧૩માં ગારગાઈ બંધ પ્રોજેક્ટ મુંબઈ માટે હોવાનું જાહેર કર્યું હતું. જોકે આટલા વર્ષો સુધી આ પ્રોજેક્ટ રખડી પડયો હતો. પાલિકાએ ૨૦૧૦માં આ પ્રોેજેક્ટનો ખર્ચ ૩,૧૦૫ કરોડ રૂપિયા નક્કી કર્યો હતો પણ વર્ષો સુધી અટવાઈ પડતા આ પ્રોજેક્ટની કિંમત હવે ૫,૦૫૧ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
વન વિભાગ અને વાઈલ્ડ લાઈફની મંજૂરી બાકી
પાલિકાની સ્થાયી સમિતિ તરફથી મંજૂરી મળી ગઈ છે. જોકે પ્રશાસનને આ પ્રોજેક્ટ માટે હજી સેન્ટ્રલ વાઈલ્ડ લાઈફ બોર્ડ તેમ જ રાજ્ય અને કેન્દ્ર સરકારના વન વિભાગ પાસેથી મંજૂરીઓ મેળવવાની બાકી છે. પહેલા વર્ષમાં છ અસરગ્રસ્ત ગામનું સ્થળાંતર કરવા માટે મંજૂરી મેળવવામાં અને માળખાગત સુવિધાઓ ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બીજા વર્ષથી બંધનું બાંદકામ અને ત્રીજા વર્ષે ઈલેક્ટ્રિકલ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં બંધના વીજળીના ખર્ચને સરભર કરવા માટે ૧,૨૦૦ કેવી હાઈડ્રોપાવર યુનિટનો પણ સમાવેશ થાય છે.