Sun Sep 06 2026

Logo

પાંચ વર્ષ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકની ખરેખર તો હત્યા થયેલી: ચાર પકડાયા

2026-06-11 19:52:59
Author: Yogesh C. Patel
પાંચ વર્ષ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકની ખરેખર તો હત્યા થયેલી: ચાર પકડાયા

સિંધુદુર્ગની હોટેલમાં હત્યા કરીને યુવકને બાઈક સાથે ખીણમાં ફેંકી દીધો: પોલીસને કોહવાયેલો મૃતદેહ મળતાં પોલીસ એક્સિડેન્ટ સમજી હતી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પાંચ વર્ષ અગાઉ સિંધુદુર્ગની કણકવલી પોલીસને ફોંડા ઘાટની ખીણમાંથી યુવકનો કોહવાયેલો મૃતદેહ અને તેની બાઈક મળી આવી હતી. યુવક અકસ્માતે ખીણમાં પડીને મૃત્યુ પામ્યો હોવાનું તે સમયે પોલીસે માન્યું હતું, પરંતુ હાલમાં જ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ચાર શકમંદને તાબામાં લઈ પૂછપરછ કરતાં આંચકાજનક માહિતી સામે આવી હતી. એ યુવક અકસ્માતે મર્યો નહોતો, સિંધુદુર્ગની હોટેલમાં હત્યા બાદ તેના મૃતદેહને બાઈક સાથે ખીણમાં ફેંકવામાં આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-7ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ સુરેન્દ્ર ચંદ્રહાસ સોનાવડેકર, મનોજ નારાયણ ભંડગે, અતિશ ભગવાન મોરે અને ઋતુરાજ શેટ્ટી તરીકે થઈ હતી. ચારેય આરોપીને વધુ તપાસ માટે કણકવલી પોલીસને સોંપાયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ ડિસેમ્બર, 2021માં બનેલી ઘટનામાં અશપાક ઉર્ફે નિહાલ રાજવલ્લી મુલાની (25)ની હત્યા કરવામાં આવી હતી. સોલાપુરના માળશિરસ ખાતે રહેતા અશપાકનો કોહવાયેલો મૃતદેહ વીસેક દિવસ પછી સિંધુદુર્ગના ફોંડા ઘાટની ખીણમાંથી મળી આવ્યો હતો. મૃતદેહ નજીક બાઈક અને એક બૅગ પડી હતી. બૅગમાંની નોટબુકમાં મુલાનીનું નામ લખ્યું હતું, જેને આધારે તેની ઓળખ થઈ હતી.

તે સમયે કણકવલી પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે અશપાક બૅન્ક લોનના કામ નિમિત્તે નિયમિત રીતે પુણે, કોલ્હાપુર, સિંધુદુર્ગ અને મુંબઈ જતો હતો. કણકવલીથી કોલ્હાપુર જતી વખતે તેની બાઈક ફોંડા ઘાટના એક વળાંક પાસે રસ્તાની સુરક્ષા દીવાલ સાથે ભટકાયા બાદ ખીણમાં પડી હતી. ઘટના સમયે મુલાની દારૂના નશામાં હતો. પરિણામે કે અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાનું પોલીસે માન્યું હતું.

આ ઘટનાને પાંચ વર્ષ વીત્યા ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને માહિતી મળી કે ચાર આરોપીએ તેના બે સાથીની મદદથી આર્થિક વિવાદને પગલે એક યુવકની હત્યા કરીને મૃતદેહને ફોંડા ઘાટની ખીણમાં ફેંક્યો હતો. માહિતીને આધારે પોલીસે ચારેયને મીરા રોડ, નવી મુંબઈ અને થાણે પાસેના દીવાથી શોધી કાઢ્યા હતા. પૂછપરછમાં ચારેય આરોપીએ ગુનાની કબૂલાત કરતાં કણકવલી પોલીસને જાણ કરાઈ હતી. પાંચ વર્ષ અગાઉ યુવક મુલાનીનો મૃતદેહ ખીણમાંથી મળ્યાની ખાતરી કરાઈ હતી. આરોપીના બે સાથીની શોધ ચાલી રહી છે.