સબંધિત અધિકારી સસ્પેન્ડ અને કૉન્ટ્રેક્ટર સામે આકરી કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ભારે વરસાદને કારણે ચેમ્બુર ખાતે સ્કૂલ બસ પર પિપળાનું વૃક્ષ ધરાશાયી થતાં ૧૧ વર્ષના વિહાન શ્રીવાસ્તવનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાની ઊંડાણમાં તપાસ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરે એક સમિતિની સ્થાપના કરવાનો નિર્દેશ આપ્યો છે અને સમિતિનો અહેવાલ આઠ દિવસમાં રજૂ કરવાનો રહેશે. એ સાથે જ પ્રકરણમાં પ્રાથમિક સ્તરે તપાસમાં બેદરકારી દાખવનારા સંંબધિત અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેમ જ સંબંધિત કૉન્ટ્રેક્ટર વિરુદ્ધ પણ આકરી કાર્યવાહી કરવામાં આવવાની છે. તેમ જ કમિશનરે ચેમ્બુર જેવી દુર્ઘટનાનું પુનરાર્વત થાય નહીં તે માટે ઝાડની નવેસરથી છટણી કરવાનો નિર્દેશ આપ્યો છે.
મંગળવારે સ્કૂલ બસ પર ઝાડ તૂટી પડવાની ઘટનામાં એકનું મોત અને ચાર વિદ્યાર્થીઓ જખમી થયા હતા. બસમાં કુલ ૧૩ વિદ્યાર્થી બેઠા હતા, જેમાં ચાર વર્ષથી લઈને ૧૧ વર્ષના વિદ્યાર્થીઓનો બુધવારે મુંબઈ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક શરૂ થતાં પહેલાં વિહાનની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમગ્ર મુંબઈને હચમચાવી મુકનારી ચેમ્બુરની આ દુર્ઘટના બદલ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ફરજિયાત રજા પર મોકલવામાં આવે, તેવી માગ નગરસેવક અને ગૃહના નેતા ગણેશ ખણકરે કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યાં સુધી આ બાબતનો સંપૂર્ણ તપાસ અહેવાલ સામે ન આવે ત્યાં સુધી સંબંધિત અધિકારીઓને પદ પર રાખવા જોઈએ નહીં. આ સાથે જ તેમણે આ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ પણ કરી હતી. સંબંધિતો સામે આકરા પગલા લેવાની માગ સાથે સમિતિને મોકુફ રાખવામાં આવી હતી.
આ દરમ્યાન પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ આ દુર્ઘટનાની તપાસ માટે બે ડેપ્યુટી કમિશનર પુરષોત્તમ માળવદે અને શશાંક ભોરેની સમિતિ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ સમિતિનો અહેવાલ આગામી આઠ દિવસમાં રજૂ કરવાનો રહેશે. એ સાથે જ સમિતિને આ પ્રકરણમાં નિષ્ણાતોની સલાહ લેવાનો અને વાંરવાર આ ઘટના બને નહીં તે માટે ભલામણ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. એ સાથે જ પ્રાથમિક સ્તરે જેના તરફથી બેદરકારી રાખવામાં આવી હોય તે સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેમ જ સંબંધિત કૉન્ટ્રેક્ટર વિરોધમાં પણ આકરી કાર્યવાહી કરવામાં આવવાની છે.
ચેમ્બુર પશ્ર્ચિમમાં હરીતાજ પ્રીતમ રોડ નંબર ૧૧, ડાયમંડ ગાર્ડન નજીક યુનિવર્સલ હાઈસ્કૂલની બસ ૩૦ જૂન, ૨૦૨૬ના બપોરના અઢી વાગ્યાની આસપાસ રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે ઝાડ તૂટી પડતા તેમાં કુલ ૧૩ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. ફાયરબ્રિગેડ અને સ્થાનિક લોકોએ બસમાંથી બહાર કાઢ્યા હતા.
તૂટી પડેલું પિપળાનું ઝાડ ૬૦થી ૭૦ વર્ષ જૂનું હતું. સંંબંધિત વૃક્ષ બાબતે કોઈ પણ ફરિયાદ આવી નહોતી. જોકે જાન્યુઆરી ૨૦૨૬માં આ પરિસરમાં રસ્તાના કામ દરમ્યાન આવશ્યક તકેદારી લેવાની સૂચના એમ-પશ્ર્ચિમ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરે આપી હતી. એ પહેલા ૧૨ મે, ૨૦૨૬ના વૃક્ષોનું બહારથી સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે વૃક્ષ મજબૂત હોવાનું જણાઈ આવ્યું હતું. તેમ જ ચોમાસા પહેલા ૨૯ મે, ૨૦૨૬ના રજ વૃક્ષનું ટ્રિમીંગ પણ કરવામાં આવ્યું હતું ત્યારે પણ ઝાડ સુરક્ષિત હોવાનું જણાઈ આવ્યું હતું.
ચોમાસા પહેલા વૃક્ષોની ડાળખીની છટણી
ચોમાસાના કામના ભાગ તરીકે મુંબઈ મહાનગરપાલિકાના ઉદ્યાન વિભાગ તરફથી તકેદારીના ભાગરૂપે દર વર્ષે વૃક્ષોનું ટ્રિમીંગ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬માં આવા ૪૬૮ ઝાડ મૃત અને જોખમી હાલતમાં મળી આવ્યા હતા. આતમામ ઝાડ કાઢી નાખવામાં આવ્યા હતા. એ સાથે ૧ લાક ૩૧૮ ઝાડની ડાળખીની છટણી કરવામાં આવી હતી. એ સિવાય જુદા જુદા કામથી પણ પાલિકામાં વૃક્ષો તૂટી પડયાં હતા.
૨૦૨૫માં ૮૫૫ વૃક્ષ ધરાશાયી
મુંબઈમાં ૨૦૨૩ની સાલમાં પાલિકાની હદમાં ૧૮૦ અને ખાનગી ક્ષેત્રમાં ૫૦૭ એમ કુલ ૬૮૭ વૃક્ષ ધરાશાયી થયા હતા. તો ૨૦૨૪માં પાલિકા શ્રેત્રમાં ૧૭૧ અને ખાનગી વિસ્તારમાં ૪૮૨ એમ કુલ ૬૫૩ ઝાડ તૂટી પડયા હતા. તો ૨૦૨૫ની સાલમાં પાલિકાની હદમાં ૨૨૧ અને ખાનગી ક્ષેત્રમાં ૬૩૪ એમ કુલ ૮૫૫ ઝાડ તૂટી પડયા હતા.