ભાયખલામાં પેઈનકિલરને નામે ઉંદર મારવાના ઝેરની દવા મોહરમના જુલુસમાં વહેંચતો ફૈયાઝ પ્રેમજી પકડાયો: 14,900 કૅપ્સ્યુલ જપ્ત: પોલીસ કહે છે, તેણે 30,000 દવાનો ઑર્ડર આપેલો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના ભાયખલા પરિસરમાંથી પસાર થનારા મોહરમના જુલુસ વખતે હજારો લોકોને મોતના મુખમાં ધકેલી દેવાનું ભયાનક કાવતરું ઘડનારા પુણેના રહેવાસીની પોલીસે ધરપકડ કરી હતી. પેઈનકિલરને નામે ઉંદર મારવાના ઝેરથી ભરેલી કૅપ્સ્યુલ્સ જુલુસમાં સામેલ લોકોને વહેંચનારા આરોપી પાસેથી 14,900 જેટલી કૅપ્સ્યુલ્સ જપ્ત કરવામાં આવી હતી. આંચકાજનક બાબત એટલે આરોપીએ 50 કિલો ઝેરી ઝિંક ફોસ્ફાઈડ અને 30,000 કૅપ્સ્યુલ્સનો ઑર્ડર આપ્યો હતો.
સેન્ટ્રલ ઝોન-1ના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) જયંત મીનાએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ફૈયાઝ નિશાર હુસેન પ્રેમજી (39) તરીકે થઈ હતી. તેની પાસેથી મોબાઈલ ફોન, આધાર કાર્ડ અને પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપી વિરુદ્ધ ભાયખલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
શુક્રવારની રાતે ભાયખલા પરિસરમાંથી પસાર થનારા મોહરમના જુલુસમાં સામેલ લોકોને આરોપી કૅપ્સ્યુલ્સ વહેંચતો હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. નજરે ચડેલા શકમંદને પોલીસે તરત તાબામાં લીધો હતો અને તેની પાસેની કૅપ્સ્યુલ્સ પણ જપ્ત કરવામાં આવી હતી. તપાસ કરતાં તે કોઈ પણ જાતની પરવાનગી વિના કૅપ્સ્યુલ્સ વહેંચતો હોવાનું જણાયું હતું. પરિણામે કૅપ્સ્યુલની ચકાસણી કરતાં તેમાં ઝિંક ફોસ્ફાઈડ (ઉંદર મારવાની દવા) હોવાનું જણાયું હતું.
દરમિયાન શનિવારના મળસકે ચાર વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે જુલુસમાં સામેલ સલમાન સૈયદે આરોપી પાસેથી પેઈનકિલરની કૅપ્સ્યુલ લીધી હતી. કૅપ્સ્યુલ્સ લીધા પછી તેને પેટમાં દુખાવો ઊપડ્યો હતો અને ઊલટી થવા લાગી હતી. સારવાર માટે તેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ઝિંક ફોસ્ફાઈડવાળી કૅપ્સ્યુલ્સ અને સલમાનનું સ્વાસ્થ્ય લથડવાની બાબતને ગંભીરતાથી લઈ પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપી કબૂલાત કરી હતી કે જુલુસમાં મોટા પ્રમાણમાં કૅપ્સ્યુલ્સ વહેંચીને લોકોને હાનિ પહોંચાડવાનો તેનો ઉદ્દેશ હતો, એવું ડીસીપી મીનાએ જણાવ્યું હતું.
આરોપીની કબૂલાત પછી તેના રહેઠાણના સ્થળે તપાસ માટે પોલીસની ટીમ મોકલવામાં આવી હતી. પોલીસે 14,900 કૅપ્સ્યુલ્સ જપ્ત કરી હતી, જેમાં દરેકમાં એક ગ્રામ ઝિંક ફોસ્ફાઈડ ભરવામાં આવ્યું હતું. આરોપીએ આવી 30 હજાર કૅપ્સ્યુલ્સ અને 50 કિલો ઝિંક ફોસ્ફાઈડનો ઑર્ડર આપ્યો હોવાનું પણ વધુ તપાસમાં જણાયું હતું.