(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમની નાણાકીય સ્થિતિ દિવસે દિવસે ખખડી રહી છે. બેસ્ટ દ્વારા પાલિકા પ્રશાસન માટે ૪,૦૦૦ કરોડ રૂપિયાની મદદની માગણી સામે પાલિકાએ ૨૦૨૬-૨૭ માટે માત્ર રૂ. ૧,૦૦૦ કરોડની ગ્રાન્ટ આપવા તૈયાર થઈ હતી પણ સ્થાયી સમિતિએ શુક્રવારે આ પૈસા બેસ્ટ ઉપક્રમ શેની પાછળ ખર્ચવાની છે એની માહિતી બેસ્ટ ઉપક્રમ આપે એ બાદ જ આ પ્રસ્તાવને મંજૂર કરાશે એવું કહેતા બેસ્ટ ઉપક્રમે હવે ફરી ભંડોળ માટે લાંબી રાહ જોવી પડે એવી શકયતા છે.
પાલિકા દ્વારા ૧,૦૦૦ કરોડ રૂપિયાની પ્રસ્તાવિત ગ્રાન્ટ બેસ્ટ ઉપક્રમ માટે અસરકારક રીતે ઓછી છે. પાલિકા દ્વારા ૨૦૧૪ થી અત્યાર સુધી ૧૨,૩૧૨ કરોડ રૂપિયાથી વધુની નાણાકીય સહાય બેસ્ટ ઉપક્રમને કરવામાં આવી હોવા છતાં ફરી એક વખત પાલિકા દ્વારા રકમની આ ફાળવણી કરવામાં આવવાની છે. વધતો ઓપરેશન ખર્ચ, અપૂરતી ભાડાની આવક અને વધતી જવાબદારીઓને કારણે બેસ્ટ ઉપક્રમના પરિવહન વિભાગ ગંભીર નાણાકીય તાણનો સામનો કરી રહી છે.
બેસ્ટને રિટાયર્ડ થયેલા લોકોની રકમ સહિત તેના કાફલામાં રહેલી ૩,૦૦૦થી વધુ બસ જે હવે ભંગારમાં જતી રહી છે, તેમાં ફરી વધારો કરવા માટે ૪,૦૦૦ કરોડ રૂપિયાના પેકેજની આવશ્યકતા છે. પાલિકાએ બેસ્ટ ઉપક્રમને ફક્ત સતત નાણાકીય સહાયથી બેસ્ટની લાંબા ગાળાની સદ્ધરતાને પુન:સ્થાપિત કરશે નહીં એવી અનેક વખત ચેતવણી આપી છે. તેમ જ નાણાકીય રીતે સદ્ધર થવા માટે અનેક ઉપાયયોજના અમમલાં મૂકવાની સલાહ પણ ૨૦૧૭ની સાલથી આપતી આવી છે.
આ દરમ્યાન પાલિકા દ્વારા ૧,૦૦૦ કરોડ રૂપિયાની આર્થિક સહાયના પ્રસ્તાવ પર શુક્રવારે સ્થાયી સમિતિમાં ચર્ચા થઈ હતી એ દરમ્યાન બેસ્ટ ઉપક્રમ આ રકમનો ઉપયોગ કયાં અને કેવી રીતે કરવાની છે, તેની માહિતી સ્થાયી સમિતિમાં બેસ્ટ ઉપક્રમ આપશે એ બાદ જ આ રકમ મંજૂર કરવામાં આવશે એવી સ્પષ્ટ શબ્દોમાં સ્થાયી સમિતિએ કહ્યું હતું અને પાલિકાનો પ્રસ્તાવ મંજૂર નહીં કરતા પાછો મોકલ્યો હતો.
પાલિકાની બેસ્ટને નાણાકીય સહાય
પાલિકા પ્રશાસન દ્વારા બેસ્ટને અનેક વખત નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે, જેમાં ૨૦૨૧-૨૨ની સાલમાં ૧,૨૬૬.૪૦ કરોડ રૂપિયા, ૨૦૨૨-૨૩ની સાલમાં ૨,૬૩૧.૯૪ કરોડ રૂપિયા અને ૨૦૨૩-૨૪ની સાલમાં ૧,૪૨૮.૭૭ કરોડ રૂપિયા તો ૨૦૨૪-૨૫ની સાલમાં ૮૧૦.૩૩ કરોડ રૂપિયા અને ૨૦૨૫-૨૬ની સાલમાં ૧,૦૦૬.૧૫ કરોડ રૂપિયા ગ્રાન્ટ તરીકે આપવામાં આવ્યા છે.