ઍપમાં નજીવા અંતરનું 10થી 15 ગણું ભાડું દર્શાવવામાં આવે: ટૅક્સીવાળાઓ માટે એજન્ટો પણ કાર્યરત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ બહાર પ્રવાસીઓને લૂંટવા માટે ટૅક્સીવાળાઓ દ્વારા નકલી મોબાઈલ ઍપનો ઉપયોગ કરાતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. અગાઉ મીટર સાથે ચેડાં કરીને પ્રવાસીઓ પાસેથી વધુ ભાડું વસૂલવામાં આવતું હતું, પરંતુ હવે જાણીતી ટૅક્સી એગ્રીગેટર કંપનીઓની આબેહૂબ નકલવાળી ઍપના માધ્યમથી લૂંટ ચલાવવામાં આવી રહી છે. આ ઍપમાં નજીવા અંતર સુધીનું ભાડું 10થી 15 ગણું દર્શાવવામાં આવે છે અને પ્રવાસીઓને આવી ટૅક્સી સુધી દોરી જવા માટે ઍરપોર્ટ બહાર એજન્ટો પણ કાર્યરત હોવાનું કહેવાય છે.
છેલ્લા અમુક દિવસમાં વિદેશથી આવનારા કે અન્ય રાજ્યોમાંથી આવનારા પ્રવાસીઓને લૂંટવાના કિસ્સા અવારનવાર સામે આવી રહ્યા છે. આવા કૅબ ડ્રાઈવરો પોતાના મોબાઈલ ફોનમાં નકલી ઍપ સેટ કરી રાખે છે. આ ઍપ ઓલા અને ઉબરની આબેહૂબ નકલ જેવી દેખાય છે. પ્રવાસી જે સ્થળે જવાના હોય ત્યાંની સરનામું આ ઍપમાં નાખવામાં આવે તો સામાન્ય કરતાં 10થી 15 ગણું ભાડું દર્શાવવામાં આવે. આ ભાડું અધિકૃત હોવાનું માની પ્રવાસીઓ છેતરપિંડીનો ભોગ બને છે.
કહેવાય છે કે અનેક વાર અન્ય માર્ગે ફેરવીને ટ્રાફિકનું બહાનું કરી પ્રવાસીઓ પાસેથી વધુ ભાડું કૅબ ડ્રાઈવરો દ્વારા વસૂલવામાં આવે છે. આ ભાડું પાછું હજારોની સંખ્યામાં હોય છે. નિયત સ્થળે પહોંચ્યા પછી પ્રવાસીઓ સાથે રકઝક કે ધાકધમકીથી ભાડા પેટે મોટી રકમ વસૂલવાના પણ કિસ્સા સામે આવ્યા છે.
હાલમાં જ વિદેશી પર્યટક સાથે બનેલી ઘટના સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવી હતી, જેને આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ વિદેશી પર્યટક પાસેથી ઍરપોર્ટથી માત્ર 400 મીટરના અંતરે આવેલી હોટેલ સુધી જવાના ખાસ્સા 18 હજાર રૂપિયા પડાવવામાં આવ્યા હતા. એ જ રીતે થાઈલૅન્ડથી આવેલા એક દંપતીને વડાલા છોડવાના ટૅક્સીવાળાએ ત્રણ હજાર રૂપિયા વસૂલ્યા હતા. જોકે વડાલા સુધીનું ટૅક્સી ભાડું માત્ર 500થી 600 રૂપિયા થતું હોવાનું કહેવાય છે. વળી, એક પ્રવાસીએ ઍરપોર્ટથી વિલેપાર્લે સ્ટેશન સુધીના 2,800 રૂપિયા ભાડું ચૂકવવું પડ્યું હતું, જ્યારે આ અંતર માત્ર દસથી પંદર મિનિટનું જ છે.
એવી માહિતી સામે આવી રહી છે કે ઍરપોર્ટના ટી-ટુ ટર્મિનલ બહાર ગેરકાયદે ઑફલાઈન બુકિંગ કરનારા અનેક એજન્ટ સક્રિય છે. આ એજન્ટ સસ્તા દરે કૅબ અપાવવાની લાલચે પ્રવાસીઓને આવા ઠગ ટૅક્સીવાળા સુધી દોરી જાય છે. આ રીતે છેતરાયેલા પ્રવાસીઓ સમય બચાવવા તેમ જ લમણાઝીંકમાં ન પડવાના વિચારથી પોલીસ ફરિયાદ નોંધાવવા આગળ આવતા નથી. જોકે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને મનનો ઊભરો ઠાલવે છે. એ સિવાય ટૅક્સીવાળા સાથે આર્થિક વ્યવહાર રોકડમાં અથવા યુપીઆઈથી થતા હોવાથી રૅકેટનું પગેરું શોધી કાઢવું પોલીસ માટે મુશ્કેલ બની જાય છે. પરિણામે બેરોકટોક આ લૂંટ ચલાવવામાં આવે છે.