મુંબઈ: સલામતી અને સંચાલન માટે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (સીએસએમઆઈએ)એ 7 મે 2026ના સવારના 11:00 કલાકથી સાંજના પાંચ વાગ્યા સુધી તેના વાર્ષિક પ્રી-મોન્સૂન રનવે જાળવણીનું આયોજન કર્યું છે. આ સમય દરમિયાન રન-વે 09/27 અને રનવે 14/32 બંને અસ્થાયી રૂપે બંધ રહેશે.
આ વાર્ષિક પ્રી-મોન્સૂન જાળવણી સીએસએમઆઈએ ના 1,033 એકર વિસ્તારને આવરી લેતી વિશાળ એરસાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાણવણી માટે મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો રનવેના ઘસારાને ધ્યાનમાં લેશે, ચોમાસાની ઋતુ દરમિયાન સુરક્ષિત લેન્ડિંગ અને ટેક-ઓફ સુનિશ્ચિત કરવા માટે નિવારક પગલાં લેશે.
સીએસએમઆઈએ સમગ્ર જાળવણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે આધુનિક મશીનરી અને વ્યાપક આયોજનનો પણ ઉપયોગ કરશે, જેથી નિર્ધારિત છ કલાકની અંદર કામ પૂર્ણ કરી શકાય.
મુસાફરોની સુગમતા સુનિશ્ચિત કરવા માટે સીએસએમઆઈએ એ એરલાઇન્સ અને ઉડ્ડયન સત્તાવાળાઓ સહિત અનેક હિસ્સેદારો સાથે આ જાળવણીનું કાળજીપૂર્વક સંકલન કર્યું છે. આ અભિગમ સીએસએમઆઈએની તેની કામગીરીમાં સલામતી, કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.