Sat Mar 14 2026

Logo

મુંબઈગરાએ એક વર્ષ બાદ ચોખ્ખી હવા શ્વાશમાં લીધી બોરીવલીમાં સૌથી ચોખ્ખી હવા: એક્યુઆઈ ૧૯...મુંબઈનો સરેરાશ એકયુઆઈ ૫૮

1 week ago
Author: sapna desai
Article Image

AI Generated Images


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રદૂષણનું પ્રમાણ ઘટીને હવા ચોખ્ખી થઈ છે. વાતાવરણમાંથી પ્રદૂષણ ઘટતા આકાશ એકદમ ચોખ્ખુ થઈને બ્લુ કલરનું જોવા મળ્યું હતું. એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ સરેરાશ ૫૮ નોંધાયો હતો, જે સમાધાનકાર શ્રેણીમાં આવે છે. તો મુંબઈમાં સૌથી ચોખ્ખું વાતાવરણ બોરીવલી પૂર્વમાં રહ્યું હતું. અહીં સરેરાશ એક્યુઆઈ ૧૯ નોંધાયો હતો. છેલ્લે મુંબઈમાં ગયા વર્ષે ત્રણ નવેમ્બરના એકયુઆઈ આટલો નીચો નોંધાયો હતો.

મુંબઈમાં છેલ્લા અનેક દિવસોથી પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું હતું અને તેને કારણે દિવસભર વિઝિબિલિટી પણ ઓછી રહેતી હતી. એર ક્વોલિટી ઈન્ડેકસ પણ અનેક વિસ્તારોમાં જોખમી શ્રેણીમાં નોંધાઈ રહ્યો હતો, જેમાં ગયા અઠવાડિયામાં એક્યુઆઈ ૧૪૫ સુધી પહોંચી ગયો હતો. જોકે આ અઠવાડિયાની શરૂઆતમાં હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો હતો અને બુધવારે સરેરાશ એક્યુઆઈ ૯૩ન નોંધાયો હતો. ગુરુવારથી શનિવાર સુધીમાં હવાની ગુણવત્તામાં હજી સુધારો જણાયો હતો એ એક્યુઆઈ ગુરુવારે ૬૩, શુક્રવારે ૫૪ અને શનિવારે ૫૮ નોંધાયો હતો.
 
મુંબઈમાં મોટા પ્રમાણમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટની સાથે જ રિડેવલપમેન્ટનું પ્રમાણ વધી જવાથી સતત વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો હતો. મુંબઈ મહાનગરપાલિકો પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે અનેક ઉપાયયોજના પણ અમલમાં મૂકી હતી.  છતાં મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ મધ્યમ શ્રેણીમાં જ નોંધાઈ રહ્યો હતો. જોકે મંગળવારથી મુંબઈમાં હવાની ગુણવત્તામાં હળવો સુધારો જણાઈ રહ્યો હતો. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી એર ક્વોલિટી ઈન્ડેક્સ સમાધાનકારક શ્રેણીમાં નોંધાઈ રહ્યો હતો. 

નિષ્ણાતોના કહેવા મુજબ હાલ મુંબઈમાં દરિયામાંથી ઝડપી ગતિએ પશ્ર્ચિમી પવનો જમીન તરફ ફૂંકાઈ રહ્યા છે અને ઝડપી પવનો ધૂળના કણોને આગળ ખેંચી જતા હોય છે. તેનેે કારણે તાત્પૂરતા સમય માટે હવાની ગુણવત્તામાં સુધારો થઈ રહ્યો છે. મુંબઈમાં સામાન્ય રીતે ચોમાસા બાદ પવનોની દિશા બદલાતી હોય છે. પવન ધીમા પડી જતા હોય છે અને તેને કારણે વાતાવરણમાં રહેલી ધૂળ અને પ્રદૂષણ હવામાં જ તરતી રહે છે. નૈસર્ગિક અને માનવનિર્મિત કારણથી મુંબઈમાં પ્રદૂષણનું  સ્તર વધતું હોય છે. જોકે હાલ મુંબઈમાં પવનની ઝડપ વધી છે, તેથી હવાની ગુણવત્તામાં પણ સુધારો થવામાં મદદ મળી છે.

મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મુજબ મુંબઈમાં હાલ કલાકના ૪૩ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. શહેર અને ઉપનગરમાં ૨૭ હવાની ગુણવત્તા માપવાના સાધન બેસાડવામાં આવ્યા છે, જેમાંથી સાત સેન્ટરમાં નવ સ્ટેશન્માં સૌથી ઓછું પ્રદૂષણ નોંધાયું હતું અને એક્યુઆઈ ૫૦થી નીચે નોંધાયો હતો. સૌથી  ચોખ્ખી હવા બોરીવલીમાં રહી હતી. અહીં એર ક્વોલિટી ઈન્ડેકસ ૧૯ નોંધાયો હતો. એ બાદ મુલુંડમાં એક્યુઆઈ ૨૨ નોંધાયો હતો.

‘સમીર’ ઍપના આંકડા મુજબ જાન્યુઆરી મહિનામાં ફક્ત આઠ વખત એક્યુઆઈ સમાધાનકારણ શ્રેણીમાં નોંધાયો હતો. જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ પ્રદૂષિત હવા ચાર જાન્યુઆરીના નોંધાઈ હતી. એ દિવસે એક્યુઆઈ ૧૪૦ નોંધાયો હતો. ફેબ્રુઆરીમાં  અત્યાર સુધી ફક્ત છ વખત હવા સમાધાનકારક શ્રેણીમાં નોંધાઈ છે, જેમાં સૌથી વધુ પ્રદૂષિત હવા ૨૧ ફેબ્રુઆરીના નોંધાઈ હતી અને એક્યુઆઈ ૧૪૫ નોંધાયો હતો.