Fri Apr 17 2026

Logo

સંતો અને ઋષિઓનું જ્ઞાન જ ભારતના અમરત્વની છે તાકાતઃ નાગપુરમાં મોહન ભાગવતે આપ્યું મહત્ત્વનું નિવેદન

2026-04-14 18:12:06
Author: Mumbai Samachar Team
Article Image

નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે નાગપુરથી એક મોટી વાત કહી છે. મોહન ભાગવતે કહ્યું હતું કે, ભારતની અમરતા અને ભારતના સમાજની સ્થિરતાના આધાર સંત-મહાત્માઓનું આધ્યાત્મિક જ્ઞાન છે. આ જ જ્ઞાન આપણા સુખી જીવનની ગેરન્ટી છે. આ જ કારણે ભારત દુનિયામાં સંક્ટના સમયમાં માર્ગદર્શક ભૂમિકા નિભાવે છે. 

જૈનાચાર્ય સમય સાગર સાથે મુલાકાત

નાગપુરના તુલસીનગર વિસ્તારમાં આયોજિત ‘શ્રી મજ્જિનેન્દ્ર પંચકલ્યાણેશ્વર પ્રતિષ્ઠા મહોત્સવ’ ના ભાગરૂપે આયોજિત સાત દિવસીય ધાર્મિક વિધિઓ દરમિયાન મોહન ભાગવતે આચાર્ય સમય સાગર સાથે મુલાકાત કરી હતી. તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ મુલાકાત દરમિયાન, બંનેએ વિવિધ આધ્યાત્મિક અને સામાજિક વિષયો પર ચર્ચા પણ કરી.

આ અવસર પર ભાવિકોને સંબોધિત કરતા ભાગવતે કહ્યું હતું કે, જ્યારે ગ્રીસ (યુનાન), ઇજિપ્ત (મિસ્ર) અને રોમ જેવી મહાન સંસ્કૃતિઓ સમયના પ્રવાહમાં લુપ્ત થઈ ગઈ, ત્યારે ભારત આજે પણ અડીખમ છે. ભારતની સભ્યતા અને સંસ્કૃતિની આ જીવંતતા પાછળનું મુખ્ય કારણ અહીંના સંતો-મહંતો દ્વારા મળતું નિરંતર અધ્યાત્મનું જ્ઞાન છે.

જ્ઞાન શાશ્વત છે

ભારત પાસે એવું આધ્યાત્મિક જ્ઞાન છે જેનાથી વિશ્વના અન્ય દેશો અજાણ હતા. આપણા પૂર્વજોએ આ જ્ઞાનને આત્મસાત કર્યું હતું, જે આજે આપણી સૌથી મોટી તાકાત છે. જ્યારે પણ વિશ્વ કોઈ મોટા સંકટમાં ફસાયા છે અથવા માનવતા ખરડાતી જોવા મળે છે ત્યારે ભારત તે સંકટમાંથી બહાર કાઢવા માટે સક્ષમ દેશ તરીકે ઊભરી આવે છે. ભારતની અસ્મિતા કોઈ ભૌતિક વસ્તુઓ પર નહીં, પરંતુ સંતો દ્વારા મળેલા જ્ઞાન અને સંસ્કારો પર ટકેલી છે. અધ્યાત્મની એ મૂડી છે

ભારતમાં સંતોનું જ્ઞાન પાયામાં

આધુનિક ભૌતિકતા, ઉપભોક્તાવાદ અને કટ્ટરતા એ સમાજ માટે પડકારજનક છે. આનો પ્રભાવ દેશના અનેક સમાજને નબળો બનાવે છે. ભારત પાસે સંતો-મહંતોનું જ્ઞાન છે અને માર્ગદર્શન છે તેથી ભારતમાં આનો પ્રભાવ નથી. હિન્દુ સમાજ આપણા દેશનો સમાજ છે જેમાં સહયોગ કરે છે, વિશ્વભરમાં ભૌતિકવાદ અને કટ્ટરતાને કારણે અનેક સમાજો નષ્ટ થઈ રહ્યા છે, પરંતુ ભારતના સંતોએ આપેલા આધ્યાત્મિક જ્ઞાનને કારણે આ વિનાશક લહેરો આપણી ઉપરથી પસાર થઈ જાય છે અને આપણે સ્થિર રહી શકીએ છીએ.

ગૃહસ્થ જીવન માટે પણ સંતોનું માર્ગદર્શન

જ્યારે સામાન્ય જનતા સંતોના માર્ગે ચાલે છે, ત્યારે સમગ્ર વાતાવરણ સકારાત્મક બને છે. ઈતિહાસ સાક્ષી છે કે ભારત હંમેશા આ રીતે જ સંકટો સામે ટકી રહ્યો છે અને આજે પણ આ પ્રક્રિયા અવિરત ચાલું છે.ગૃહસ્થ જીવન પણ કેવું હોવું જોઈએ એ અંગે પણ સંતોએ માર્ગદર્શન આપ્યું છે. આ અંગેનું જ્ઞાન પણ સંતો પાસેથી મળે છે.

આ માટે જ સંતોનું અસ્તિત્વ લાંબા સમય સુધી યથાવત રહે છે. સંતોના સાથ એ સામાન્ય માણસને કપરી સ્થિતિમાંથી પણ ઉગારી લે છે. મહાત્મા તથા સંતોની શક્તિના કારણે અનેક સકારાત્મક કાર્યો થયા છે.