Mon Jul 27 2026

Logo

ખાધા પીધા અને ઓક્સિજન વગર એવરેસ્ટ પર જીવતો રહ્યો, પરિવાર મૃત સમજીને કરવાના હતા અંતિમ સંસ્કાર

2026-06-05 13:22:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ માઉન્ટ એવરેસ્ટ પર 52 વર્ષના શેરપા ગાઇડ દાવા 'હિલેરી'એ અન્ન-જળ અને ઓક્સિજન વગર 6 દિવસ વિતાવી દીધા. ગુરુવારે સવારે તેઓ બેઝ કેમ્પ પાસે મળી આવ્યા હતા.

ચઢાણની સીઝન પૂરી થઈ ચૂકી હતી અને રસ્તામાંથી દોરડાં તેમજ સીડીઓ હટાવી દેવામાં આવી હતી. દાવાના પરિવારે તેમને મૃત માનીને અંતિમ સંસ્કાર સુધીની તૈયારીઓ પણ કરી લીધી હતી. પરંતુ ત્યારપછી તેમને દાવા જીવતા હોવાની માહિતી મળી.

છેલ્લી વાર 29 મેના રોજ દેખાયા હતા

દાવા 28 મેની સાંજે બ્રિટિશ પર્વતારોહક ક્રિસ થ્રોલ અને એક પોલિશ પર્વતારોહકના જૂથ (ગ્રુપ) સાથે નીચે ઉતરી રહ્યા હતા. તેમને છેલ્લી વાર 29 મેના રોજ 'યેલો બેન્ડ' પાસે જોવામાં આવ્યા હતા.

થ્રોલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે શિખર પરથી નીચે ઉતરતી વખતે બનેલી ઘટનાઓ વિશે જણાવ્યું. થ્રોલે કહ્યું, "અમે નીચે પાછા ફરી રહ્યા હતા ત્યારે જ દાવા પોતાના બેકપેક સાથે આરામ કરવા બેસી ગયા. મેં તેમને પૂછ્યું કે શું તમે ઠીક છો? આના પર તેમણે કહ્યું કે હું ઠીક છું, તમે કૃપા કરીને આગળ જાઓ."

સાથીએ આખી ઘટના જણાવી

થ્રોલે આગળ જણાવ્યું કે, "હું બ્રિટિશ રોયલ મરીનમાંથી છું અને અમને શીખવવામાં આવે છે કે કોઈને પણ પાછળ ન છોડવા. મારી પાસે ઓક્સિજનની માત્ર અડધી ટેન્ક જ બચી હતી અને મારી પાસે બે જ રસ્તા (વિકલ્પ) હતા. કાં તો હું પેલા પોલિશ પર્વતારોહકને સાથે લઉં જેને ફ્રોસ્ટબાઇટ (અતિશય ઠંડીના કારણે અંગો જામી જવા) થયું હતું અથવા તો શેરપા માટે પાછો જાઉં, જે કદાચ પોતે જ આવી જાય, કારણ કે તે પહેલાં પણ સેંકડો વખત આવું કરી ચૂક્યો છે."

થ્રોલે આગળ જણાવ્યું કે તેમણે પોલિશ પર્વતારોહક સાથે પોતાનો ઓક્સિજન શેર કર્યો (વહેંચ્યો) અને તેની સાથે નીચે આવ્યા. બેઝ કેમ્પ પહોંચ્યા પછી તેમણે દાવા ગુમ થયા હોવાની માહિતી આપી.

એક બિસ્કિટના પેકેટ પર દિવસો વિતાવ્યા

સાગરમાથા પોલ્યુશન કંટ્રોલ કમિટીની સફાઈ ટીમ રસ્તામાંથી સાધનો હટાવી રહી હતી, ત્યારે તેમણે દાવાને 'ક્રેમ્પૉન પોઇન્ટ' પાસે જોયા અને તેમને નીચે લાવ્યા. તેમને ફ્રોસ્ટબાઇટ (અતિશય ઠંડીના કારણે અંગો જામી જવા) અને અન્ય તકલીફોના કારણે કાઠમંડુની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલમાં તેઓ જોખમથી બહાર છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે દાવા માત્ર બરફ અને બિસ્કિટના એક પેકેટના સહારે એવરેસ્ટ પર જીવતા રહ્યા. તેઓ ત્યાં છોડી દેવાયેલા ટેન્ટમાંથી ખાવા-પીવાની વસ્તુઓ અને ફેંકી દીધેલી ઓક્સિજનની બોટલો શોધીને દિવસો વિતાવ્યા હતા.