Tue May 26 2026

Logo

મીરા રોડમાં બકરી ઈદ પહેલા ભારે બબાલ: સોસાયટીમાં બકરા રાખવા મુદ્દે હંગામો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

2026-05-26 19:12:06
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ મીરા રોડ વિસ્તારમાં બકરી ઈદ પહેલા બબાલ થઈ ગઈ હતી. એક હાઈસિંગ સોસાયટીમાં ઈદ પહેલા બકરાને લઈ વિવાદ વધી ગયો હતો. સોસાયટીના પરિસરમાં એક હંગામી ધોરણે શેડ તૈયાર કરવા પર અન્ય સ્થાનિકોએ એનો વિરોધ કર્યો હતો. સ્થાનિકોની ફરિયાદ પછી તંત્રએ લાલ આંખ કર્યા બાદ આ વિસ્તારમાં સ્થિતિ તણાવગ્રસ્ત બની હતી જેને કારણે પોલીસે યુદ્ધના ધોરણે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા માટે પગલાં લીધા હતા. 

બકરા માટે શેડ તૈયાર કરાયો
મીરા રોડ ખાતેની પુનમ એસ્ટેટના ક્લસ્ટર એકમાં એક સોસાયટીમાં બકરી ઈદને લઈને બકારને લઈ વિવાદ થયો હતો. રવિવારે આખો દિવસ બબાલ ચાલુ રહી અને રાત્રે સોસાયટી પરિસરમાં સ્થિતિ તણાવગ્રસ્ત બની ગઈ. આ દરમિયાન એક યુવક પર અજાણ્યા વ્યક્તિ દ્વારા બ્લેડથી હુમલો પણ કરવામાં આવ્યો હતો. પરિણામે આ કેસને લઈ કાશીમીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. 


હાલમાં સોસાયટી પાસે પોલીસે એક ટીમ બેસાડીને હાલાત પર કાબુ મેળવ્યો છે. પુનમ એસ્ટેટમાં આવેલી એક સોસાયટીમાં બકરા માટે એક શેડ તૈયાર કરવામાં આવ્યો હતો. અહીંયાથી વિવાદની શરૂઆત થઈ. આ શેડમાં 25 બકરા રાખવામાં આવ્યા, એવું પણ જાણવા મળ્યું હતું કે, બકરી ઈદને લઈ સોસાયટીમાં બકરા રાખવા માટે મંજૂરી માગવામાં આવી હતી. સોસાયટીમાં રહેતા હિન્દુ પરિવારજનોનો આક્ષેપ છે કે, મુસ્લિમ પદાધિકારીઓએ કોઈ પ્રકારની બેઠક પર આ શેડને મંજૂરી આપી દીધી હતી. 

બકરા કાપવાની મંજૂરી નથી
અન્ય સ્થાનિકોએ જણાવ્યું હતું કે, બકરાના કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. આ સમગ્ર મામલે ભાજપના નગરસેવિકા, હિન્દુ સંગઠનના પદાધિકારી અને સોસાયટીના સ્થાનિકો કાશીમીરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. એટલું જ નહીં, મહાનગર પાલિકાના કાર્યલયે ફરિયાદ કરવામાં આવી હતી. 

ફરિયાદ સામે આવ્યા બાદ ગંભીરતાથી એ શેડને દૂર કરવામાં આવ્યો હતો. આ માહોલ વચ્ચે સોસાયટીના અધિકારીઓએ કહ્યું કે, સોસાયટીમાં બકરા કાપવાની કોઈ રીતે મંજૂરી આપવામાં આવી નથી. માત્ર ઈદ સુધી હંગામી ધોરણે બકરા રાખવાની અનુમતી આપવામાં આવી હતી. સમગ્ર કેસ પર પોલીસે બારીકીથી તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે. આ સાથે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે.

દરમિયાન ભાજપના એક નેતાએ કહ્યું હતું કે સોસાયટીના લોકો સાથે મુલાકાત કરવામાં આવી હતી. પાલિકા અને પોલીસે બકરા રાખવાની મંજૂરી આપી હોય તો તેની તપાસ કરવી જોઈએ. થોડા બકરાઓને હટાવી લેવામાં આવ્યા છે અને બાકીના પણ હટાવી લેવામાં આવશે. આ હિંદુઓને ડરાવવાનું ષડયંત્ર છે. સોસાયટીમાં બકરા કાપવા દઈશું નહીં એના માટે પોલીસ પ્રશાસને પણ અલગ વ્યવસ્થા કરી છે. આ બનાવ પછી સોસાયટીના દરવાજા બહાર મોટી સંખ્યામાં હિંદુ સંગઠનના કાર્યકરો એકઠા થયા હતા અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. જોકે, કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.