માવજી મહેશ્વરી
પુલીસ કીસી લડકી કી તલાશ કર રહી હૈ. કોઈ કહ રહા થા વો ખૂબસૂરત લડકી આતંકવાદી હૈ. બોલો, એક લડકી કે લિયે ઈતને પુલીસવાલે.
જાણે કેટલાંય વર્ષોની ઊંઘ ભેગી થઈ હોય તેમ સોનલ સૂતી હતી.
વહેલી સવારે જયપુર છોડ્યા પછી અજવાળું થવા માંડ્યું હતું. નીચેવાળી બર્થ પર બેઠેલી સ્ત્રી ક્યારનીય સનત સામે જોયા કરતી હતી. સનતને થયું કદાચ આ સ્ત્રી વિચારતી હશે કે આ એકલો હતો અને અચાનક છોકરી ક્યાંથી આવી ચડી? એકાદવાર એને થયું કે તે પણ સોનલની બાજુમાં જરા લાંબો થાય. પણ સોનલ જાગી જશે તો પોતાની નિયત પર શંકા જશે. આવા વિચારે તે બેઠો જ રહ્યો. સોનલનો નાનકડો ચોટલો બહાર લટકી રહ્યો હતો. ઊંઘમાં જ સોનલે સનતના વળેલા પગમાં પોતાનો હાથ ભેરવ્યો. સનતના શરીરમાં ઝણઝણાટી ફરી વળી. તેને થયું કે તે નમીને સોનલના લિસ્સા ગાલ પર એક ચુંબન કરી લે.
સનતને થયું, એવું શા માટે લાગે છે કે મને સોનલ સાથે કોઈ જૂનો સંબંધ છે. આ અગાઉ અનેક વાર હું એને મળી ચુક્યો છું. આજની રાત આ ચિતા જેવી છોકરી મારી સાથે હશે. જે થાય તે, કોઈ પણ રીતે આને બે દિવસ સાથે રાખવી છે. જો એ લોકો એલાઉડ નહીં કરે તો હોટેલ્સ ક્યાં નથી. સોનલે આંખ ખોલી. અચાનક સ્થિતિનું ભાન થયું હોય તેમ સોનલ બેઠી થઈ ગઈ. તેણે બેય હાથે વાળ સરખા કર્યા અને પલાંઠીવાળીને ટી શર્ટનું ઈન સરખું કર્યું. કોલર નીચે બેય અંગૂઠા નાખી બ્રાની સ્ટ્રીપ અંદરની બાજુ ગોઠવી અને સાવ ધીમેથી પુછ્યું, ‘આપણે ક્યાં પહોંચ્યા છીએ?’
સનતે પણ ધીમેથી કહ્યું ‘કદાચ ગાંધીનગર આવવાની તૈયારી છે. તમે જલ્દી ફ્રેશ થઈ જાઓ.’
‘સોરી યાર મેં તમને ઉજાગરો કરાવ્યો. પણ રાતે ઊંઘ ન થઈ હોત તો આજે સવારે તમારે મને ઊંચકીને લઈ જવી પડત. તમે સૂતા જ નથી કે શું?’
‘ઊંઘ કેમ આવે? કિંમતી સામાનની ચોકી તો કરવી જ પડે ને!’ કોઈ ન કહે કે તમે ઈન્જિનિયર છો.
‘હા, પણ મારા નસીબ સારા છે કે માઠા તે હજી દિલ્હી પહોંચ્યા પછી ખબર પડશે. આપણે તમારી જગ્યાએ પહોંચીએ ત્યાં સુધી જેમ હું કહું તેમ કરજો પ્લીઝ.’
પેલી સ્ત્રી હજુ પણ સોનલને એકધારું જોઈ રહી હતી. સોનલનું ધ્યાન અચાનક એની તરફ ગયું. તેણે એ સ્ત્રી તરફ એક મીઠું સ્મિત ફેંક્યું. જવાબમાં પેલી સ્ત્રી પણ હસી. સોનલે પોતાના થેલામાં હાથ નાખી એક નાનકડું પર્સ અને નેપ્કિન કાઢ્યા. સનત પણ નીચે ઊતર્યો. પેલી સ્ત્રીથી રહેવાયું નહીં. તેણે કહી નાખ્યું, ‘આપકી ઘરવાલી બહોત અચ્છી હૈ’ સનત રડવા જેવું હસ્યો. કાશ સોનલ ખરેખર મારી પત્ની હોત. તેણે એ સ્ત્રી સામે હસીને કહ્યું, ‘શુક્રિયા’ પેલી સ્ત્રીને એટલાથી કદાચ સંતોષ ન થયો. તેણે પૂછ્યું, ‘વો આગે સે તો આપકે સાથ નહીં થી. બિચ મેં સે ચડી થી ક્યા?’
‘હાં, વો જયપુરસેં ચડી થી. આટલું કહી તે ઝડપથી બર્થ પર ચડી ગયો. એને થયું રખે વળી પેલી સ્ત્રી કંઈ વધુ પૂછે. સોનલ ધાર્યા કરતા વહેલી ફ્રેશ થઈને આવી ગઈ. તેના ચહેરા પર ફૂટતી સવાર જેવી તાજગી દેખાતી હતી. ટ્રેન સાવ ધીમે ધીમે ચાલતી હતી. તેણે નીચેથી જ પેલું પર્સ સનતને આપ્યું અને આંખોથી સનતને જવા કહ્યું. તેણે પેલી સ્ત્રીને પૂછ્યું, ‘મૈં આપકે પાસ બૈઠું?’
પેલી સ્ત્રી કદાચ સોનલથી અંજાઈ ગઈ હતી. તેણે બરાબર ખસીને જગ્યા કરતા લાગલો સોનલનો હાથ પકડીને કહ્યું, ‘હાં બૈઠો ના. ઈસમેં પૂછનેવાલી ક્યા બાત હૈ’ સોનલ તેને અડીને બેસી ગઈ. નીચે ગયેલો સનત ફ્રેશ થઈને પાછો આવ્યો ત્યારે સોનલ પેલી સ્ત્રી સાથે વાતોમાં ગુંથાયેલી હતી. તેને ઊભા રહેવું કે ઉપર ચડી જવું તેવો વિચાર આવ્યો. સોનલે તેને આંખથી ઉપર ચડી જવાનું કહ્યું.
સનત વિચારતો રહ્યો કે, ‘સોનલ શું અભિનય કરે છે. એને જોઈને કોઈ ન કહે કે તે ભાગી નીકળી હશે. પેલી સ્ત્રી શું સમજીને સોનલ સાથે વાતો કરતી હશે? ડોલતી હાથિણીની જેમ ભુજ બરેલી ભુજ આલા હઝરતે દિલ્હીની હદમાં પ્રવેશ કર્યો. સોનલ પેલી સ્ત્રીનો હાથ દાબી ઉપર આવી. થોડીવાર પહેલાની સુરખીની સ્થાને ચહેરા પર આછો તનાવ દેખાતો હતો. તેણે ધીમા સ્વરે કહ્યું, ‘પ્લીઝ તમારો સેલ નંબર આપો અને તમારે જ્યાં જવાનું છે એનું એડ્રેસ પણ આપો.’
સનત ન સમજ્યો હોય તેમ જોઈ રહ્યો. તેણે ફરીથી કહ્યું, ‘સાંભળ્યું નહીં?’ સોનલે પોતાની પેન્ટના ખિસ્સામાંથી એક નાનકડી ડાયરી કાઢી અને સનતે શર્ટમાં ખોસેલી પેન કાઢી લેતા કહ્યું, ‘લખાવો’ સનતે પોતાનો સેલફોન નંબર અને હોટેલ સિલ્વર લાઈનનું એડ્રેસ લખાવ્યું. પછી ખિસ્સામાંથી પોતાનો સેલ ફોન કાઢતાં કહ્યું, ‘મને પણ તમારો નંબર આપો.’
સોનલના મગજમાં કંઈક ઝડપભેર દોડતું હતું. તેણે કહ્યું, ‘મારો નંબર પછી આપીશ પહેલા સાંભળો. તમે આગળ રહેજો. જ્યાં સુધી હું રેલવે સ્ટેશનની બહાર ન આવું મારી આ બેગ તમારી પાસે રાખજો. કશું ઊંધું ચતું થાય તો ગભરાતા નહીં. ઈન કેસ હું અડધા કલાક સુધી ન આવું તો તમે તમારી જગ્યાએ પહોંચી જજો. હું તમારા કોન્ટેક્ટમાં રહીશ.’
કોઈ ઉપરી અમલદારનો હુકમ સાંભળતો હોય તેમ સનત સોનલ સામે જોઈ રહ્યો. તેને એવો વિચાર આવ્યો કે, પોતે શા માટે આ ઝંઝટમાં પડી રહ્યો છે. શું મળશે પોતાને? આ બિન્દાસ છોકરી તો બે દિવસ પછી થેન્ક યુ કહીને ચાલી જશે. પણ જો કંઈ ઊંધુંચતું થયું તો પોતાને અહીં બચાવશે કોણ? સનતનો આત્મવિશ્વાસ જવાબ દઈ જવાની તૈયારીમાં જ હતો. સોનલ સનતનો ચહેરો વાંચી ગઈ. તેણે સનતનો હાથ દબાવીને કહ્યું, ‘પ્લીઝ ખોટા વિચારો ન કરતા. હું ખૂન કરીને ભાગેલી નથી કે, નથી કોઈ ચોરી કરી. મારી આખી દાસ્તાન તમને કહીશ. અને હા, મારી બેગ સંભાળજો.’ એક મિનિટ કહીને તેણે ઝડપથી પોતાની બેગ ખોલી. દુપટ્ટા જેવું કાઢ્યું અને મોં ઉપર બાંધી લીધું.
બેગમાં કોઈ જોખમી ચીજ તો નથી ને? સનત બુકાનીમાં જુદી લાગતી સોનલને જોઈ રહ્યો.
મારા કરતાં જોખમી તો નથી જ. એન્ડ લીસન મી, કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. કદાચ મારા સ્વાગત માટે પહેલેથી જ કોઈ ઊભું ન હોય તો સારું.
ટ્રેનની લાંબી વ્હીસલ સાંભળી સનતના ધબકારા તેજ થતા હતા. સનત એ પણ ભૂલી ગયો કે, તે એક જવાબદારીભર્યા કામ માટે અહીં આવ્યો છે. ટ્રેન દિલ્હી રેલવે સ્ટેશનમાં પ્રવેશી. કંઈ બોલ્યા વગર સોનલ નીચે ઊતરી. પાછળ સનત ઉતર્યો. પેલી સ્ત્રી જેની સાથે અત્યાર સુધી સોનલે વાતો કરી હતી. તે પણ ઊભી થઈ, સોનલે સનત સાંભળે તેમ કહ્યું, ‘આપકા સામાન જ્યાદા હૈ, લાઈએ થોડા મૈ ઉઠા લેતી હું. હમારે પાસ દો હી બેગ હૈં.’ પેલી સ્ત્રીએ આનાકાની વગર એક બેગ સોનલને આપતા કહ્યું, ‘લો યે તુમ ઉઠાઓ. જ્યાદા ભારી નહીં હૈ.’
સોનલે ઈશારો કર્યો. સનત આગળ થયો. સોનલની બેગમાં વજન નહોતું. સનત આ અગાઉ બે વાર દિલ્હી આવી ગયો હતો, પણ આ વખતની ઉત્તેજના જુદા પ્રકારની હતી. તે ઊતરીને પ્લેટફોર્મ જરા આગળ જઈને ઊભો રહી ગયો. ખાસ્સીવારે સોનલ પેલી સ્ત્રી સાથે વાત કરતી આવતી દેખાઈ. સનતે એક્ઝીટ ડોર પાસે ઊભેલા ટિકિટ ચેકરને ધ્યાનથી જોયો અને એક્ઝીટ ડોર પર નજર પડે તે રીતે ઊભો રહ્યો.
સનત ખાસ્સીવાર ઊભો રહ્યો પણ ન તો સોનલ દેખાઈ ન પેલી સ્ત્રી. સોનલે એને કહેલું કે અડધા કલાકથી વધારે રાહ ન જોજે. સનતને સવારની ચા પણ મળી ન હતી. ખાલી પેટે હવે માથું ચડવા માંડ્યું હતું. અચાનક જ તેનું ધ્યાન ગયું કે, રેલવે સ્ટેશને જરૂર કરતા વધારે પોલીસ ગોઠવાયેલી હતી. તે મનોમન બોલ્યો, દિલ્હી હવે નકરા રાજકારણીઓ અને પોલીસવાળાઓથી જ ભરાતું જાય છે.
ખાસ્સીવાર ઊભો રહ્યો પણ સોનલ ન આવી. તેણે વિચાર્યું. હવે હું જાઉં. તેની બેગ મારી પાસે છે એટલે પહોંચી આવશે. પણ તે પછી આવશે તો રહેશે ક્યાં? બેય સાથે ગયા હોત તો મેનેજમેન્ટ સાથે વાત કરી શકાઈ હોત. તે શા માટે નહીં આવી હોય? શું એના ઘરના લોકો અહીં પહોંચી આવ્યા હશે? તેણે નિરાશ આંખે છેલ્લી વાર જોયું અને બહાર આવ્યો. રિક્ષા અને ટેક્સિવાળા એને ઘેરી વળ્યા. તેણે એક સરળ દેખાતા ટેક્સિવાળાને કહ્યું, ‘હોટેલ સિલ્વર લાઈનકા ક્યા લોગે ભાઈ?’
‘અરે આ જાઓ સાબ, જો ઠીક લગે સો દે દેના. વૈસે ભી અબ યહાં પર ધંધા કરના મુશ્કીલ હો ગયા હૈ. સુબહ સેં પુલીસવાલોંકી ગાલિયાં ખા રહે હૈં. ચલિયે સાબ’ કહીને ડ્રાઈવરે દરવાજો ખોલ્યો. અંદર બેસતાં સનતે ફરી એકવાર રેલવે સ્ટેશનના દરવાજા તરફ જોયું. કેટલાય માણસો આવતા જતા દેખાયા પણ એમા એ નહોતી, જે ગઈ રાતથી મનનો કબજો લઈને બેઠી છે. ડ્રાઈવરે કારને વાળી. કંઈક વાત કરવાના બહાને સનતે કહ્યું, ‘ભાઈ આજ રેલવે સ્ટેશન મેં ઈતની પુલીસ ક્યોં દીખાઈ દેતી થી?’
ડ્રાઈવર ગુસ્સામાં બોલ્યો, ‘અરે ક્યા કરે સાબ. યે દિલ્હી અબ ગુન્હેગારોં કા શહર બન ગયા હૈ. હમારા ધંધા ટેક્સિ ચલાને કા. જાયે તો જાયે કહાં?. ? પુલીસ કીસી લડકી કી તલાશ કર રહી હૈ. કોઈ કહ રહા થા વો ખૂબસૂરત લડકી આતંકવાદી હૈ. બોલો એક લડકી કે લિયે ઈતને પુલીસવાલે.’
ડ્રાઈવરની વાત સાંભળી સનતના મોતિયા મરી ગયા. તેની નાભિમાં ભયનું વલોણું ચાલુ થયું. તેને થયું કે એ છોકરી મારી સાથે હતી તે સોનલ તો નથી ને? કોઈ ઝેરી સાપના કરંડિયાને જોતો હોય તેમ બાજુમાં પડેલી સોનલની બેગ સામે જોઈ રહ્યો. ટેક્સિ હોટેલ સિલ્વર લાઈન તરફ આગળ વધી રહી હતી. (ક્રમશ:)