Sun Apr 26 2026

Logo

જિજ્ઞાસા પ્રશ્ન કરાવે છે અને ઉત્તરથી પ્રગતિ થાય છે

2026-04-26 09:36:00
Author: Mumbaisamachar Team
Article Image

 

દિવસ ત્રીજો - 4-4-2026

‘મુંબઈ સમાચાર’ આયોજિત ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’ પ્રભુપાઠ પૂરતું સીમિત નથી, પરંતુ ભાગવત વાંચનના માધ્યમથી ભાષાના મહત્ત્વને પ્રાધાન્ય આપવાનો અને મનુષ્ય જીવનને સ્પર્શવાનો પ્રયાસ પણ છે એ પહેલા બે દિવસમાં સ્પષ્ટ થઈ ગયું અને ત્રીજે દિવસે પણ એ ક્રમ ચાલુ રહ્યો. ભાઈશ્રી ભક્તિરસના પાન સાથે ભાષારસનો આસ્વાદ પણ કરાવી રહ્યા હતા. સનાતન ધર્મ માટેની ધરબાઈ ગયેલી આસ્થા છેલ્લા કેટલાક વર્ષથી ફરી મોહરી ઉઠી છે અને એ ધ્યાનમાં રાખીને જ કથાસ્થળને સનાતન નગરી નામ આપવામાં આવ્યું હતું. 

ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ સનાતન ધર્મમાં પ્રશ્ન પૂછવાની છૂટ છે એ મહત્ત્વના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. જિજ્ઞાસા પ્રશ્ન કરાવે છે અને એ પ્રશ્નના ઉત્તરથી પ્રગતિ થાય છે એનો અનુભવ જગત આખાએ કર્યો છે. ‘ભાગવતનો પ્રારંભ પ્રશ્નથી થયો’ એ જણાવી ભાઈશ્રીએ કહ્યું કે ‘પ્રશ્ન ન પૂછાયો હોત તો ગ્રંથોની રચના જ ન થઈ હોત.’ આ સંદર્ભમાં ભાઈશ્રીએ લંકામાં નાગપાશમાં જકડાયેલા રામ-લક્ષ્મણની વાત કરી. રામાયણના યુદ્ધકાંડમાં એક પ્રસંગ નાગપાશનો છે. ભગવાન રામ અને લક્ષ્મણજીને જકડી લેવામાં આવ્યા હતા. 

આ નાગપાશમાંથી મુક્ત થવું લગભગ અશક્ય હતું. સંકટ સમયે દેવર્ષિ નારદની પ્રેરણાથી પક્ષીરાજ ગરુડ (વિષ્ણુ ભગવાનનું વાહન) ત્યાં આવી પહોંચ્યા. ગરુડને જોતા જ નાગપાશના સાપ ડરીને ભાગી ગયા અને રામ-લક્ષ્મણ મુક્ત થયા. ગરુડએ તો પોતાની ફરજ બજાવી પણ એને પ્રશ્ન થયો કે જે ભવ બંધનથી છોડાવે એવા ભગવંતને નાગપાશથી છોડાવવા મારે દોડવું પડે? ટૂંકમાં પ્રશ્ન એ છે કે રામ કોણ છે? એક આદર્શ મનુષ્ય કે ઈશ્વર છે? આવા સવાલ પૂછી શકાય છે.

નરસિંહ મહેતાના પદનો ઉલ્લેખ કરી ભાઈશ્રીએ ભાષા વૈભવને રજૂ કર્યું. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે પંક્તિ નરસિંહ મહેતાના પ્રખ્યાત ભજન "અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ”નો એક ભાગ છે. સોનામાંથી બનેલા આભૂષણો (હાર, વીંટી, કુંડળ) ના ઘાટ અને નામ ભલે જુદાં હોય, પણ અંતે તો તે બધું ‘સોનું’ (હેમ) જ છે. એ જ પ્રમાણે આ સૃષ્ટિમાં બધું ભલે અલગ-અલગ દેખાય, અંતે તો તે એક જ પરમાત્માનું સ્વરૂપ છે. 

જીવનમાં ભ્રમ અને દેખાવથી પરે જઈને મૂળભૂત સત્યને ઓળખવું જોઈએ. જે રીતે હેમનું હેમ હોય છે, તે રીતે આપણું મૂળ સ્વરૂપ અને ઓળખ પણ અખંડિત અને અવિનાશી છે. શ્રુતિ અને સ્મૃતિનો ભેદ પણ ભાઈશ્રીએ સમજાવ્યો. શ્રુતિ (વેદ, ઉપનિષદ) એટલે સાંભળેલું, જે ઋષિઓએ પ્રભુ પાસેથી સીધું સાંભળેલું અપૌરુષેય જ્ઞાન છે. સ્મૃતિ (પુરાણ, રામાયણ, ગીતા) એટલે યાદ રાખેલું, જે ઋષિઓ દ્વારા રચિત પરંપરાગત ગ્રંથો છે. 

માતૃભાષા ભાગવત સપ્તાહ આંદોલન છે: નમ્રમુનિ 

ભાગવત સપ્તાહના મંચ પર જૈન મુનિની હાજરી ધર્મમાં આસ્થા ધરાવતા લોકોનો હરખ વધારનારી હોય એ સ્વાભાવિક છે. માતૃભાષા ભાગવત સપ્તાહના અનોખા અને અનન્ય પ્રયાસની પ્રશંસા કરતા જૈન મુનિ નમ્રમુનિએ ‘સાચી રાહ પર લઈ જાય એ જ સાચું શાસ્ત્ર અને ‘મુંબઈ સમાચાર’ની આ કોશિશ એક ઉત્તમ આયોજનની સાથે સાથે એક આંદોલન પણ છે’ એવી રજૂઆત કરતા હજારો ભાવિકોએ આ નિવેદનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. 

ભાગવતનો એક પ્રસંગ ટાંકી મુનિએ જણાવ્યું હતું કે ‘કૃષ્ણ રથમાં બેસી જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાંથી ભારે પથ્થર ખસેડવામાં તકલીફ અનુભવતી એક વૃદ્ધ વ્યક્તિ પર એમની નજર પડી. બળબળતા તાપમાં વડીલે આખો દિવસ પરિશ્રમ કરવો પડશે અને એ બીમાર પડશે એનો ખ્યાલ આવી જતા કૃષ્ણ રથમાંથી ઉતરી પથ્થર ખસેડવા મદદ કરવા લાગ્યા. 

કૃષ્ણને સવાલ કરવામાં આવતા તેમણે એટલું જ કહ્યું કે આ મારી ફરજ છે. કોઈ એમની સેવા કરે એની બદલે પોતે સેવારત થાય એવી કૃષ્ણની ભાવના હતી. એ જ રીતે નીલેશભાઈનો આ પ્રયાસ અનેક લોકો સુધી પહોંચાડવો એ મારું કર્તવ્ય છે. આ સપ્તાહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરી જોતા માતૃભાષા અને સાહિત્ય માટે ‘મુંબઈ સમાચાર’ના માધ્યમથી કરવામાં આવેલી મહેનત લેખે લાગી હોવાનું પ્રતીત થાય છે.’ એક જ મંચ પરથી બે વિદ્વાનોએ માતૃભાષાના મહત્ત્વને બિરદાવ્યું એ અનોખી ઘટના કહેયાય.

પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલાને : ગીતા રબારી 

ભાઈશ્રીની અમૃતવાણી અને નમ્રમુનિના આશીર્વચન સાંભળી ધન્ય થયેલા ભાવિકોને શનિવારની સાંજે બોરીવલીના એસી ડોમમાં કચ્છની કોયલ તરીકે ઓળખાતી ગીતા રબારીના મીઠા ટહુકાનો કર્ણસ્વાદ મળ્યો હતો. 

માતૃભાષા સાચવવાના આ પ્રયાસની અને ઉત્કૃષ્ટ આયોજનની પ્રશંસા કરી ગીતા રબારીએ ‘અચ્યુતમ કેશવમ’ની ધૂન બોલાવી અને ‘ઓમ નમ: શિવાય’ના સૂર રેલાવતા બોરીવલીનું ક્રીડા સંકુલ ભક્તિ નગરી બની ગયું હતું. દુહાથી પ્રારંભ કરી ભાવિકોના ઉત્સાહથી પોરસાઈ ગયેલી ગીતા રબારીએ પીયૂષ મિશ્રાના પ્રસિદ્ધ ગીત ‘આરંભ હૈ પ્રચંડ’ની પંક્તિઓ ‘કૌરવોં કી ભીડ હો યા પાંડવોં કા નીડ હો, જો લડ સકા વો હી મહાન હૈ’ રજૂ કરતા મેદની ઝૂમી ઊઠી હતી. 

માતૃભાષાના ગીતો સાંભળીએ એવી રજૂઆત કરી ગીતાએ ‘નયનને બંધ રાખી...’, ‘નાગર નંદજીના લાલ’ અને ‘તારી આંખનો અફીણી’ રજૂ કર્યું ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. માહોલમાં જમાવટ ધ્યાનમાં આવતા ‘મેરી ઝોંપડી કે ભાગ આજ ખૂલ જાએંગે, રામ આએંગે’ રજૂ થતા ભાવિકો શબરી બની ભગવાન શ્રી રામની જાણે પ્રતીક્ષા કરતા હોય એવો ભાવ જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ ‘ક્ધહૈયા જા જા જા, કાનુડાનું માગું નાખ્યું રાધાજીની સાથે’ અને ‘પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલાને’ના ગુંજારવથી સનાતન નગરી રૂઢ અર્થમાં ભક્તિમય બની ગઈ હતી.