Sat Aug 22 2026

Logo

જુલાઈ મહિનામાં મારુતિ સુઝુકીનું વિક્રમી 2,48,845 યુનિટનું ઉત્પાદન

2026-08-02 20:13:50
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી લિ.એ ગત જુલાઈ મહિનામાં સૌથી વધુ 2,48,845 યુનિટ કારનું ઉત્પાદન કર્યું હતું કે અને જુલાઈ, 2025નાં 1,87,073 યુનિટના ઉત્પાદનની સરખામણીમાં 33 ટકાનો ઉછાળો દર્શાવ્યો હતો. 

કંપનીએ ગત જુલાઈ મહિનામાં ઉત્પાદનમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ કામગીરી દાખવી છે. આ પૂર્વે માર્ચ, 2026માં કંપનીનું ઉત્પાદન 2,31,933 યુનિટની સર્વોચ્ચ સપાટીએ રહ્યું હતું. એકંદરે ગત જુલાઈ મહિનામાં વિક્રમ ઉત્પાદન થયું હોવા છતાં જુલાઈ મહિનામાં રિટેલ વેચાણ 1.78 લાખ યુનિટની સપાટીએ રહ્યું હોવાથી ડીલરો પાસેનો સ્ટોક સરેરાશ કરતાં નીચી સપાટીએ રહ્યો હોવાનું મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ.નાં માર્કેટિંગ અને વેચાણ વિભાગના સિનિયર એક્ઝિક્યુટીવ પાર્થો બેનરજીએ જણાવ્યું હતું. 

સામાન્યપણે તમામ ડીલરોમાં અમારો નેટવર્ક સ્ટોક 16 દિવસનો હોય છે અને પેન્ડિંગ બુકિંગ અથવા તો રવાનગી બાકી હોય તેવા બુકિંગની સંખ્યા 1.6 લાખ યુનિટની હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ઉદ્યોગમાં ડીલરોના સ્ટોકની સરેરાશ 30 દિવસની હોય છે. 

વધુમાં કંપનીની આંકડાકીય માહિતી અનુસાર ગત જુલાઈ મહિનામાં કંપનીનું હોલસેલ ધોરણે પેસેન્જર વાહનોનું વેચાણ જુલાઈ 2025નાં 1,37,776 યુનિટ સામે 43 ટકાના આકર્ષક દરે વધીને 1,96,203 યુનિટની સપાટીએ રહ્યું હતું. આમ કંપનીએ વેચાણમાં પણ શ્રેષ્ઠ કામગીરી દાખવી છે. તેમ જ ગત જુલાઈ મહિનામાં કંપનીની હળવા વેપારી વાહનોનું વેચાણ પણ 2,00,123 યુનિટની ઐતિહાસિક ઊંચી સપાટીએ રહ્યું હતું. 

કંપનીના જણાવ્યાનુસાર ગત જુલાઈ મહિનામાં બલેનો, સેલેરિયો અને સ્વિફ્ટ જેવાં કોમ્પેક્ટ મૉડૅલોનું 1,13,067 યુનિટનું ઉત્પાદન કર્યું હતું અને ગત જુલાઈ મહિનાના 87,950 યુનિટ ઉત્પાદનની સરખામણીમાં 29 ટકાનો વધારો જોવ મળ્યો હતો. તે જ પ્રમાણે એસ-પ્રેસો અને અલ્ટોનું જુલાઈ મહિનામાં ઉત્પાદન જુલાઈ, 2025નાં 11,484 યુનિટ સામે વધીને 13,964 યુનિટની સપાટીએ રહ્યું હતું. આ સિવાય બ્રીઝા, અર્ટિગા અને ફ્રોન્ક્સ જેવાં યુટિલિટી વાહનોનું ઉત્પાદન જુલાઈ, 2025નાં 70,241 યુનિટ સામે 46 ટકા વધીને 1,02,787 યુનિટની સપાટીએ રહ્યું હતું. 

વધુમાં ગત જુલાઈ મહિનામાં કંપનીએ 14,627 યુનિટ (13,610 યુનિટ) ઈકો વાનનું ઉત્પાદન કર્યું હતું. તેમ જ હળવા વેપારી વાહન સુપ કેરીનું ઉત્પાદન જુલાઈ, 2025નાં 3788 યુનિટ સામે વધીને 4400 યુનિટની સપાટીએ રહ્યું હતું.