Thu Aug 13 2026

Logo

મરાઠા અનામત: બંધારણની મર્યાદા બહાર કોઈ નિર્ણય નહીં લેવાય, ફડણવીસની સ્પષ્ટતા

2026-08-12 16:32:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત અને કુણબી પ્રમાણપત્રને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર વિવિધ સમાજોની અનામત સંબંધિત માંગણીઓ સાંભળશે, પરંતુ કોઈ પણ નિર્ણય માત્ર બંધારણ અને કાયદાની મર્યાદામાં રહીને જ લેવામાં આવશે. 

બંધારણીય જોગવાઈઓથી બહારની કોઈપણ માંગ સ્વીકારવામાં નહીં આવે. સરકાર એક સમાજનો હક છીનવીને બીજા સમાજને આપશે નહીં અને મરાઠા, ઓબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા ભટકતી-વિમુક્ત જાતિઓ સહિત તમામ સમાજોને ન્યાય આપવાની સરકારની પ્રતિબદ્ધતા હોવાની સ્પષ્ટતા પણ તેમણે કરી હતી

ફડણવીસે કહ્યું કે સરકાર કોઈપણ પ્રકારના દબાણમાં આવીને અથવા નિયમોથી વિપરીત નિર્ણય નહીં લે. જો કોઈ માગણી જનહિતમાં હોય અને બંધારણીય મર્યાદામાં આવતી હોય તો તેના પર વિચાર કરવામાં આવશે, પરંતુ બંધારણની મર્યાદા બહારની માગણી સ્વીકારવામાં નહીં આવે. સરકાર સૌની વાત સાંભળે છે અને કાયદા મુજબ જ આગળ વધશે.

મુખ્ય પ્રધાને મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળે દ્વારા કુણબી પ્રમાણપત્રની રજૂઆતને તપાસ માટે સંબંધિત વિભાગ પાસે મોકલવાના નિર્ણયનો પણ બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાન તરીકે ફરિયાદો અને રજૂઆતોને સંબંધિત વિભાગ પાસે તપાસ માટે મોકલવી તેમની જવાબદારી છે. 

વિભાગ માત્ર રજૂઆતના આધારે નહીં, પરંતુ ઉપલબ્ધ પુરાવાઓના આધારે પણ નિર્ણય લે છે. આ મામલાની તપાસ કરતી સમિતિ સરકારથી સ્વતંત્ર છે અને તેને ન્યાયિક સત્તા પણ આપવામાં આવી છે. સમિતિના નિર્ણયથી અસંતુષ્ટ વ્યક્તિ તેના વિરુદ્ધ અપીલ સત્તા સમક્ષ જઈ કરી શકે છે

મરાઠવાડામાં તાજેતરમાં કેટલાક મરાઠા-કુણબી જાતિ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા બાદ આ મુદ્દો ફરી ઉગ્ર બન્યો છે. મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલ સરકાર સામે સતત આક્રમક વલણ અપનાવી રહ્યા છે. 

તેમણે અલ્ટિમેટમ આપ્યું છે કે મરાઠા સમાજને આપવામાં આવેલા કુણબી જાતિ પ્રમાણપત્રો રદ કરવાના આદેશ પાછા ખેંચવામાં નહીં આવે અને આરક્ષણ સંબંધિત માગણીઓ પૂરી નહીં થાય તો 29 ઓગસ્ટ, 2026થી જાલનાના અંતરવાળી ખાતે ફરી મોટું અને નિર્ણાયક આંદોલન શરૂ કરવામાં આવશે.

વધુ જુઓ...