Fri Sep 11 2026

Logo

માંડવીમાં રેસ્ટોરન્ટમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો ગેરકાયદે વપરાશ ઝડપાયો, હોટલ સંચાલકોમાં મચ્યો ફફડાટ

2026-04-04 12:26:13
Author: Mayur Patel
માંડવીમાં રેસ્ટોરન્ટમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો ગેરકાયદે વપરાશ ઝડપાયો, હોટલ સંચાલકોમાં મચ્યો ફફડાટ

ભુજઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને  પરિણામે સામાન્ય નાગરિકો ઘરેલું ગેસની તંગીનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વ્યાપારી એકમોમાં ઘરેલું ગેસના સિલિન્ડરનો ગેરકાયદે વપરાશ થતો હોવાની વ્યાપક ફરિયાદોને પગલે વહીવટી તંત્ર 'એક્શન મોડ'માં આવ્યું છે. માંડવી મામલતદાર અને પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસમાં એક જાણીતી રેસ્ટોરન્ટમાંથી ઘરેલું ગેસના સિલિન્ડરો મળી આવતા તેને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

માંડવી મામલતદાર પ્રધુમનસિંહ જેઠવા અને પુરવઠા નિરીક્ષક તન્વીબેનના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન લાકડા બજાર વિસ્તારમાં આવેલી 'અમન રેસ્ટોરન્ટ’માં તપાસ કરતા તંત્રને કોમર્શિયલ હેતુ માટે વપરાતા ઘરેલું ગેસના ત્રણ સિલિન્ડરો મળી આવ્યા હતા. નિયમોના સરેઆમ ઉલ્લંઘન બદલ તંત્રએ આ સિલિન્ડરો તાત્કાલિક કબજે કરી 'નીકી ગેસ એજન્સી'ના ગોડાઉનમાં જમા કરાવ્યા છે અને રેસ્ટોરન્ટ સંચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી તેજ કરી છે.

તંત્રની આ ઓચિંતી કાર્યવાહીના સમાચાર વાયુવેગે પ્રસરતા શહેરના અન્ય હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ચેકિંગમાં પકડાઈ જવાની ભીતિએ અનેક સ્થળોએ સંચાલકો દ્વારા ઘરેલું સિલિન્ડરો છુપાવવા માટેની દોડધામ પણ જોવા મળી હતી. 

સ્થાનિક વહીવટી તંત્રએ આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, ઘરેલું વપરાશના ગેસનો વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરવો એ ગંભીર ગુનો છે. આગામી દિવસોમાં પણ આવી ગેરરીતિ કરનારા એકમો સામે કડક ઝુંબેશ જારી રાખવામાં આવશે. આ સાથે જ તંત્રએ જાગૃત નાગરિકોને અપીલ કરી છે કે જો ક્યાંય પણ આવી ગેરરીતિ જોવા મળે તો તુરંત સત્તાવાળાઓને જાણ કરવી.

(ઉત્સવ વૈદ્ય)