હેમંત વાળા
સનાતન ધર્મની મૂળભૂત વિચારસરણીમાં ‘આત્મા’નું મહત્ત્વનું સ્થાન છે. સૃષ્ટિની રચનામાં આત્માને મૂળભૂત અને સૌથી મહત્ત્વનું તત્ત્વ માનવામાં આવે છે. આત્મા અસ્તિત્વનું સનાતન ચેતન તત્ત્વ છે. દરેક સજીવમાં સમાન આત્મા હોય છે, પછી તે કીડી હોય કે હાથી, ગરીબ હોય કે શ્રીમંત, જ્ઞાની હોય કે અજ્ઞાની.
આત્મા એટલે જીવનનું અંતિમ સત્ય સ્વરૂપ. આત્મા એટલે જેનો વિનાશ ન થઈ શકે તે અવિનાશી, જે કાયમ માટે અસ્તિત્વ ધરાવે તે શાશ્વત, જેને નથી જન્મ કે મરણ તે અજન્મા, જેનામાં કોઈ પ્રકારનો વિકાર સંભવ નથી તે નિર્વિકાર, જેનામાં કોઈ પરિવર્તન શક્ય નથી તે અપરિવર્તનશીલ, જે સર્વત્ર હોય છે તે સર્વવ્યાપી, ક્યારે ચલિત ન થાય તેવું અચળ અને સ્થિર, સૌથી પ્રાચીન એટલે કે પુરાતન, જે કાર્યમાં સંલગ્ન થતું નથી પરંતુ માત્ર ત્યાં તેની હાજરી હોય છે તે સાક્ષી અર્થાત દૃષ્ટા માત્ર. આત્મા શરીર નથી, શરીરથી અલગ અસ્તિત્વ છે; અને તેથી શરીર મૃત્યુ પામે પરંતુ આત્મા અજરામર હોય.
દરેક જન્મમાં જે એક શરીરમાંથી બીજા શરીરમાં ગતિ કરે છે તે આત્મા. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ; અને તેમની સ્થિતિ તેમજ પરિસ્થિતિ બદલાતાં રહે પરંતુ જે તત્ત્વ ક્યારેય બદલાતું નથી તે આત્મા છે. આત્મા પ્રત્યેક સંસારિક, સાંજોગિક કે સાંદર્ભિક અસરથી મુક્ત છે.
ગીતાના કથન અનુસાર આત્માને શસ્ત્ર કાપી શકતું નથી, અગ્નિ બાળી શકતું નથી, પાણી ભીંજવી શકતું નથી કે પવન સૂકવી શકતું નથી. તે નિત્ય છે, અવિનાશી છે, અજન્મા છે, અવ્યય છે. કઠ ઉપનિષદ મુજબ ‘અણોરણીયાન્ મહંતો મહીયાન્’ અર્થાત્ આત્મા અણુ કરતાં પણ સૂક્ષ્મ અને બ્રહ્માંડ કરતાં પણ વિશાળ છે. છાન્દોગ્ય ઉપનિષદના ‘તત્વમસિ’, સિદ્ધાંત મુજબ, આત્મા બધામાં છે - બ્રહ્મ સર્વત્ર છે અને આત્મા બધામાં છે અર્થાત્ બ્રહ્મ અને આત્માનું અહીં ઐક્ય સ્થાપિત થાય છે.
બૃહદારણ્યક ઉપનિષદ મુજબ આત્માને કર્તા તરીકે નહીં, ભોક્તા તરીકે નહીં, પરંતુ સાક્ષી તરીકે, માત્ર દ્રષ્ટા તરીકે જણાવવામાં આવ્યો છે. સાંખ્યદર્શનમાં આત્માને ‘પુરુષ’ કહેવામાં આવે છે. જ્યારે યોગદર્શનમાં આત્માને ‘દ્રષ્ટા’ કહેવામાં આવ્યો છે. અદ્વૈત સિદ્ધાંતમાં આત્મા અને બ્રહ્મ વચ્ચે કોઈ ભેદ નથી તેમ જણાવવામાં આવ્યું છે. સનાતન વિચારધારામાં, સનાતન ધર્મમાં, આત્મા એટલે જીવનનું અવિનાશી સત્ય તત્વ જે વિનાશી શરીરથી અલગ છે. આત્મા બ્રહ્મ સાથે એકરૂપ છે. આત્માનું જ્ઞાન મેળવવું એ જ જીવનનું પરમ લક્ષ્ય માનવામાં આવે છે. આત્માની અનુભૂતિ એટલે મોક્ષ.
સનાતન દર્શનમાં આત્મા અને જીવ વચ્ચે સૂક્ષ્મ પરંતુ મહત્ત્વનો ભેદ બતાવવામાં આવ્યો છે. ઘણી વખત આત્મા અને જીવને સામાન્ય રીતે એકસરખાં માની લેવાય છે,પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ બંને ભિન્ન અસ્તિત્વ છે.અવિદ્યા એટલે કે માયાને કારણે આત્માનો સંબંધ જ્યારે શરીર-મન-બુદ્ધિ સાથે સ્થાપિત થાય ત્યારે તે જીવ કહેવાય. સુખ-દુ:ખનો અનુભવ કરનાર જીવ છે આત્મા નહીં. આત્મા ચેતના છે જ્યારે જીવ એ તે ચેતનાની જડતામાં રૂપાંતરિત થવાની અને તેને હકીકત માનવાની પ્રક્રિયા છે.
મુંડક ઉપનિષદમાં બે પક્ષીનું દ્રષ્ટાંત આપવામાં આવે છે; એક પક્ષી એક ડાળીથી બીજી ડાળે ઉડે છે, ફળ ખાય છે, અવાજ કરે છે જ્યારે બીજું માત્ર પહેલાં પક્ષીની સમગ્ર ગતિવિધિ નિહાળે છે. પહેલું પક્ષી ભોક્તા-જીવ છે જ્યારે બીજું પક્ષી દ્રષ્ટા-આત્મા છે.આત્મા શુદ્ધ ચૈતન્ય છે જ્યારે જીવ અવિદ્યાથી આવરિત ચેતન છે. આત્માને કોઈ અનુભૂતિ નથી જ્યારે જીવ સુખ-દુ:ખ, જન્મ-મરણ, ઘડપણ-રોગ, ભાવ-અભાવ, લાભ-હાનિ જેવા વિવિધ પ્રકારનાં ભાવનો અનુભવ કરી શકે છે.
આત્મા માત્ર સાક્ષી સ્વરૂપ હોવાથી તેને કોઈપણ કર્મનું બંધન લાગતું નથી જ્યારે જીવ બંધનગ્રસ્ત થઈ શકે છે. જીવનું લક્ષ બંધનમાંથી મુક્તિ મેળવવાનું છે જ્યારે આત્મા મુક્ત જ છે.વેદાંતના અદ્વૈત સિદ્ધાંત મુજબ આત્મા અને જીવ વાસ્તવમાં એક જ છે, તેમાં જે ભેદ દેખાય છે તેનું કારણ ‘અવિદ્યા’ છે. જ્યારે જીવને જ્ઞાન થાય કે ‘અહં બ્રહ્માસ્મિ’, હું જ બ્રહ્મ છું, ત્યારે જીવનું બંધન સમાપ્ત થાય છે. આ સિદ્ધાંત પ્રમાણે અવિદ્યા દૂર થાય ત્યારે જીવનું સાચું સ્વરૂપ, આત્મા તરીકે પ્રગટ થાય છે. અષ્ટવક્ર ગીતા જીવનું કારણ ‘અજ્ઞાન’ છે એમ જણાવે છે.
જીવ એ આત્માનું બંધનગ્રસ્ત અસ્તિત્વ છે. અહીં એક પ્રશ્ન થાય. જો આત્માને શસ્ત્ર છેદી ન શકે તો આત્માને કોઈ બાંધી કેવી રીતે શકે. જો આત્મા દરેક પ્રકારનાં બંધનથી મુક્ત હોય તો તેને બંધન કેવી રીતે લાગી શકે. જો આત્મા માત્ર સાક્ષી સ્વરૂપે જ હોય, દ્રષ્ટા સ્વરૂપે જ હોય તો તેનાં પર કોઈપણ કાર્યનું પરિણામ ક્યાંથી સ્થાપિત થાય. આત્મા જ્યારે શરીર, મન, બુદ્ધિ, સ્થળ અને સમય સાથે પોતાને જોડાયેલો ‘માને’ છે ત્યારે તે જીવ તરીકે ઓળખાય. અહીં એ વાત સ્પષ્ટ થાય છે કે આત્મા પોતે એવું માની લે છે કે પોતાને બંધન છે;
વાસ્તવમાં આત્માને કોઈ બંધન હોતું નથી, આત્માને કોઈ બાંધી શકતું નથી. અષ્ટાવક્ર ગીતામાં જણાવ્યા પ્રમાણે ‘સ્વયં’નું બંધન માની લેવું એ જ બંધન છે. વ્યક્તિ જ્યારે એમ માની લે કે પોતે શરીર નથી, પોતે મર્યાદિત છે, પોતે જે તે પરિસ્થિતિ અને કાર્ય સાથે સંલગ્ન છે ત્યારે આ ‘માન્યતા’ જ બંધન બની રહે. જ્યારે એની પ્રતીતિ થાય કે પોતે શરીર નથી, શરીર પોતાનું નથી, પોતે કર્તા નથી કે નથી ભોક્તા, પોતે તો ચૈતન્ય સ્વરૂપ સાક્ષી માત્ર છે ત્યારે પોતાનું આત્મ-સ્થ અસ્તિત્વ જાણમાં આવે.