Mon Jul 27 2026

Logo

બંગાળમાં હાઈવોલ્ટેજ ડ્રામા: મમતા બેનરજીએ TMC કાર્યકરો પર હુમલાના વિરોધમાં શરૂ કર્યાં ધરણાં

2026-06-02 17:41:37
Author: Devayat Khatana
Article Image

મેગાફોન લઈને રસ્તા પર ઉતર્યા; ભાજપ અને પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કારમા પરાજય બાદ કથિત રીતે ટીએમસીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર હુમલાની ઘટનાઓના વિરોધમાં ટીએમસી સુપ્રિમો મમતા બેનરજીએ  ધરણાં શરૂ કરી દીધા છે. જો કે પોલીસ દ્વારા ટીએમસીને રાની રશ્મોની રોડ પર ધરણાં કરવાની પરવાનગી આપવામાં આવી ન હોવા છતાં મમતા બેનરજી એસ્પ્લેનેડના વાય-ચેનલ સ્થિત ધરણાં સ્થળ પર પહોંચ્યા હતા. પ્રદર્શનની શરૂઆત કરતા પહેલા તેમણે  ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને પ્રદર્શન માટે રવાના થતી વખતે તેમના હાથમાં ભારતના બંધારણનું પુસ્તક પણ જોવા મળ્યું હતું.

આશરો આપનારા ગદ્દારો સાથે મળી ગયા

ધરણાં દરમિયાન મમતા બેનરજીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા આક્ષેપ કર્યો હતો કે, ભાજપે બંગાળ ચૂંટણી જીતવા માટે 294માંથી 177 બેઠક પર મતગણતરીમાં ગેરરીતિ આચરી છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, જે લોકોને તેમણે જીવનમાં આશરો આપ્યો તે જ હવે ગદ્દારો સાથે મળી ગયા છે. 
વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, મોદીજીએ બંગાળને અસામાજિક તત્વો અને મનસ્વી રાજકારણીઓના હાથમાં છોડી દીધું છે, જે રાજ્યને અંધકાર તરફ ધકેલી રહ્યા છે. આ સાથે જ તેમણે વિપક્ષી પક્ષો આગામી સમયમાં રાષ્ટ્રીય કાર્યયોજના નક્કી કરવા માટે દિલ્હીમાં બેઠક કરશે તેવી જાહેરાત પણ કરી હતી.

પ્રદર્શનના સ્થળે મંચ બનાવવા અને માઇક્રોફોનનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં મળતા મમતા બેનરજીએ મેગાફોન દ્વારા ભીડને સંબોધિત કરી હતી. આ ધરણાં પ્રદર્શનમાં ફિરહાદ હકીમ, મદન મિત્રા, કલ્યાણ બેનરજી અને ડોલા સેન જેવા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા, પરંતુ ટીએમસીની ટિકિટ પર જીતેલા મોટા ભાગના નવા ચહેરાઓ ગેરહાજર જણાતા ચર્ચા જાગી હતી. 

મમતા બેનરજીએ સ્પષ્ટ કર્યું કે, તેમના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજી પર થયેલા હુમલા, ચૂંટણી પછીની હિંસા અને ફેરિયાઓને હટાવવાના વિરોધમાં આ ધરણાં સાંજ સુધી ચાલુ રહેશે.

આ પહેલા તેમણે આ ઘટનાઓને "સરમુખત્યારશાહી વર્તન" ગણાવતા દાવો કર્યો હતો કે, વિધાનસભા ચૂંટણી પછી ટીએમસીના 12 કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે અને હજારો કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. મમતા બેનરજીએ પોલીસ પર લોકશાહી પ્રદર્શનોમાં અવરોધ ઊભો કરવા અને ટીએમસી કાર્યકર્તાઓને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. 

ફેરિયાઓને હટાવવા, કાર્યકર્તાઓ પર હુમલા અને NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ જેવા મુદ્દાઓ ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે જો અમને રોકવામાં આવશે, તો હું જ્યાં હોઈશ ત્યાં જ બેસી જઈશ અને જો મારી ધરપકડ થાય તો પણ તૈયાર છું."